આજના સમયમાં આપણે શારીરિક સ્વાસ્થ્ય માટે ડાયેટ કરીએ છીએ, પણ માનસિક સ્વાસ્થ્ય માટે ‘સોશિયલ ડાયેટ’ ભૂલી જઈએ છીએ. આપણા જીવનમાં કેટલાક લોકો એવા હોય છે જે શક્તિ આપવાને બદલે શક્તિ શોષી લે છે. આવા લોકોને મનોવિજ્ઞાનની ભાષામાં ‘ટોક્સિક’ (ઝેરી) વ્યક્તિઓ કહેવાય છે.
ટોક્સિક વ્યક્તિને ઓળખવી કેવી રીતે?
જેમની સાથે વાત કર્યા પછી તમે હળવાશ અનુભવવાને બદલે થાક, તણાવ અથવા અપરાધભાવ (Guilt) અનુભવો, સમજી લેવું કે એ વ્યક્તિ તમારા માટે ટોક્સિક છે. તેઓ હંમેશા પોતાની જ વાત ઉપર રાખશે, તમારી સફળતામાં ખામી શોધશે અને સતત નકારાત્મકતા ફેલાવશે.
આવા લોકો થી બચવા માટેના અમોઘ શસ્ત્રો
૧. ભાવનાત્મક દીવાલ બનાવો (Emotional Boundaries):
દરેક વ્યક્તિને તમારા મન સુધી પહોંચવાનો રસ્તો ન આપો. જેમ ઘરના દરવાજે જાળી હોય છે જેથી કચરો અંદર ન આવે, તેમ મનના દરવાજે પણ ફિલ્ટર રાખો. તેમની વાતોને અંગત રીતે લેવાનું બંધ કરો.
૨. ‘રિએક્ટ’ નહીં, ‘રિસ્પોન્ડ’ કરો:
ટોક્સિક વ્યક્તિનો ખોરાક તમારી પ્રતિક્રિયા છે. જો તમે ગુસ્સે થશો, તો તેઓ જીતી જશે. તેમની વાતો સામે મૌન રહેવું એ સૌથી ધારદાર જવાબ છે. શાંત સમુદ્રમાં ગમે તેટલો કચરો નાખો, તે અશાંત નથી થતો.
૩. અંતર રાખવામાં જ ભલાઈ:
જરૂરી નથી કે દરેક સંબંધને જીવનભર ખેંચવો. જો કોઈ સંબંધ તમારી પ્રગતિમાં અવરોધ રૂપ હોય, તો ત્યાંથી ‘ગ્રેસફુલી’ એક્ઝિટ લેવી જોઈએ. સોશિયલ મીડિયા હોય કે પ્રત્યક્ષ જીવન, અનિચ્છનીય નકારાત્મકતાથી દૂર રહેવું.
૪. સ્વ-વિકાસ પર ધ્યાન આપો:
તમારા સમય અને ઊર્જાને તમારા લક્ષ્યો, લેખન અને સર્જનાત્મક કાર્યોમાં લગાવો. જ્યારે તમે તમારી જાતને પ્રેમ કરવા લાગો છો, ત્યારે બીજાની નકારાત્મકતા તમારા પર અસર કરવાનું બંધ કરી દે છે. કોઈના ગંદા પગ તમારા મનમાંથી પસાર ન થઈ જાય તેનું ધ્યાન રાખો, કારણ કે તમારું મન એ કોઈનો કચરો નાખવાનો ડબ્બો નથી.
ધારો કે તમે કોઈ નવું કામ શરૂ કર્યું છે અને કોઈ વ્યક્તિ સતત એમ કહે છે કે, “આમાં કંઈ વળવાનું નથી, તારાથી આ નહીં થાય.”આ સમયે દલીલ કરવાને બદલે માત્ર એટલું જ કહો “તમારો અભિપ્રાય આપવા બદલ આભાર, પણ મને મારા નિર્ણય પર વિશ્વાસ છે.” આટલું કહીને વાત ત્યાં જ પૂરી કરી દેવી એ તમારી માનસિક મજબૂતીની નિશાની છે.
યાદ રાખો, તમે દુનિયાના દરેક વ્યક્તિને ખુશ કરી શકતા નથી. જે તમારી શાંતિ છીનવી લે છે, તેને તમારા જીવનમાંથી બહાર કરવાનો તમને પૂરો હક છે. તમારી ઉર્જા કિંમતી છે, તેને સાચવીને વાપરો.

દર્શના પટેલ (નેશનલ મેડાલિસ્ટ)

