ARTICLE : “દફતરનો એ ‘ભાર’ અને યાદોનો અપરંપાર”

0
12
meetarticle

જિંદગીની ભાગદોડમાં આપણે ભલે ગમે તેટલા મોટા ઓફિસર કે બિઝનેસમેન બની જઈએ, પણ આજેય રસ્તામાં કોઈ બાળકને ભારેખમ દફતર ઊંચકીને જતું જોઈએ છીએ ત્યારે મન એક ક્ષણ માટે થંભી જાય છે. દિલના કોઈ ખૂણેથી અવાજ આવે છે કે, “કાશ! આ દફતર મારું હોત અને એમાં મારું બાળપણ હોત!” જિંદગીની સૌથી મોટી કરુણતા એ જ છે કે, જ્યારે દફતરનું વજન ઊંચકવાની શક્તિ હતી ત્યારે એ ‘ભાર’ લાગતો હતો, અને આજે જ્યારે જિંદગીનો ભાર ઊંચકવાની મજબૂરી છે ત્યારે એ ‘દફતર’ દુનિયાની સૌથી હલકી અને પવિત્ર વસ્તુ લાગે છે!

સવારે ઉઠીને આકાશમાં વાદળો જોઈને મનમાં એવી પ્રાર્થના કરવી કે “ભગવાન, આજે એટલો વરસાદ પડે કે સ્કૂલમાં રજા પડી જાય!” એ રજાનો આનંદ આજે મળેલી કરોડોના બોનસ કરતા પણ વધારે હતો. ત્યારે ખિસ્સામાં એક રૂપિયો હોત તો આખું ગામ ખરીદવાની તાકાત લાગતી, આજે હજારો રૂપિયા છે પણ એ ‘એક રૂપિયા’ જેવો સંતોષ ક્યાંય નથી. આજે લાઈફમાં ‘ટાઈમ મેનેજમેન્ટ’ના ક્લાસ લઈએ છીએ, પણ સાચું મેનેજમેન્ટ તો ત્યારે હતું જ્યારે સાહેબ બોર્ડ પર લખવા માટે ફરે, એટલી સેકન્ડમાં બેન્ચ નીચેથી નાસ્તાનો ડબ્બો સાફ થઈ જતો! આજે ફાઈવ-સ્ટાર હોટલના જમવામાં પણ એ સ્વાદ નથી આવતો, જે મિત્રોના એ એંઠા ડબ્બા છીનવીને ખાવામાં આવતો હતો; નવાઈની વાત તો એ છે કે ત્યારે એ એંઠું ખાવામાં ‘હાઈજીન’ નહોતું પણ ‘હેત’ ભરપૂર હતું, એટલે જ કદાચ કોઈ ક્યારેય બીમાર પડતું નહોતું!

સાહેબ, ત્યારે દફતર ભલે ફાટેલું હતું પણ એમાં આખું સપનું સમાઈ જતું, અને આજે ‘બ્રાન્ડેડ બેગ’ તો છે પણ એમાં ક્યાંય પેલું નિર્દોષ બાળપણ જડતું નથી!

વર્ગખંડની એ છેલ્લી બેન્ચ… જે કદાચ દુનિયાના સૌથી મોટા ‘વિચારકો’નું હેડક્વાર્ટર હતું. પરીક્ષામાં જ્યારે પેપર અઘરું હોય, ત્યારે આખા ક્લાસનું એકબીજા સામે જોવું અને ‘તને આવડે છે?’ વાળો ઈશારો કરવો, એ મૌન સંવાદ દુનિયાની કોઈ પણ ‘કોન્ફરન્સ કોલ’ કરતા વધુ અસરકારક હતો. અમારી મિત્રતા પણ ગજબની હતી સાહેબ! ત્યારે ‘ફ્રેન્ડ રિક્વેસ્ટ’ મોકલવી પડતી નહોતી, બસ એક રિસેસનો બેલ પડે એટલે આખું ટોળું આપોઆપ ભેગું થઈ જતું. મિત્રની પેનનું ઢાંકણું ચાવી જવામાં જે સ્વાદ હતો, એ આજે દુનિયાની કોઈ પણ મોંઘી વાનગી કે બ્રાન્ડેડ કોફીમાં પણ નથી આવતો.

આજે આપણી પાસે ગૂગલ મેપ છે, પણ એ રસ્તો જડતો નથી જે સીધો ‘નિરાંત’ તરફ જતો હોય; આજે ખિસ્સામાં મોંઘા આઈફોન છે, પણ એવો કોઈ ‘Contact’ નથી જેની જોડે કલાક સુધી મતલબ વગરની વાતો કરી શકાય! ત્યારે પાયલોટ કે એન્જિનિયર બનવાના નિર્દોષ સપના હતા, આજે સમજાયું કે સૌથી અઘરું કામ તો ફરીથી ‘બાળક’ બનવાનું છે. હકીકત તો એ છે કે આપણે મોટા નથી થયા, બસ એક એવી રેસમાં ઉતરી ગયા છીએ જ્યાં જીત્યા પછી પણ એવું લાગે છે કે હારી ગયા.

જ્યારે સ્કૂલના છેલ્લા દિવસે શર્ટ પર મિત્રોના ઓટોગ્રાફ લેતા, ત્યારે ખબર નહોતી કે એ સફેદ શર્ટ પરના અક્ષરો આપણી જિંદગીના સૌથી કિંમતી દસ્તાવેજો બની જશે. વર્ષો વીતી ગયા, પણ હૃદય તો આજે પણ એ જ વર્ગખંડમાં ‘હાજરી’ પુરાવે છે. કદાચ એટલે જ, આજેય જ્યારે જૂના મિત્રો મળે છે ત્યારે કોઈ હોદ્દા કે પૈસાની વાત નથી થતી, બસ એક સ્મિત સાથે પૂછાય છે— ‘યાદ છે પેલો દિવસ?’ અને ત્યાં જ જિંદગી ફરીથી ‘રિસેસ’ જેવી જીવંત થઈ ઉઠે છે!

અંતિમ વિચાર –
“સાહેબ, જિંદગીની ભાગદોડમાં કદાચ અમે દુનિયા જીતી ગયા હોઈશું, પણ આજેય એવું લાગે છે કે બધું જ પાછું આપી દઉં— જો કોઈ એક દિવસ માટે ફરીથી મને એ ‘ભારે દફતર’ અને એ ‘નિર્દોષ બાળપણ’ પાછું આપી દે તો!”

વિશેષ નોંધ: આ લેખ દ્વારા ગુજરાતના મધ્યમવર્ગીય જીવન અને શાળાયાદોને જીવંત કરવાનો મેં નમ્ર પ્રયાસ કર્યો છે. આશા છે કે આપના અખબારમાં આ લેખને સ્થાન મળશે.

લેખક
એન્જી. હાર્દિક ચંદારાણા

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here