ઘણીવાર સમાજમાં જોવામાં આવે છે કે જે વ્યક્તિ જૂઠું બોલે છે, છેતરપિંડી કરે છે કે અનૈતિક રસ્તે ચાલે છે, તેની પાસે આલીશાન બંગલા, ગાડીઓ અને સુખ-સાહ્યબીના તમામ સાધનો હોય છે. બીજી તરફ, પ્રામાણિક અને ધાર્મિક વ્યક્તિ સાયકલ પર ફરતી હોય કે આર્થિક તંગીમાં જીવતી હોય તેવું પણ બને છે. આ જોઈને સામાન્ય માણસના મનમાં પ્રશ્ન થાય કે: “શું ઈશ્વર આંધળો છે?”
પરંતુ આને સમજવા માટે ‘કર્મની બેંક’ ના ગણિતને સમજવું પડશે.
પુણ્યનું ‘ફિક્સ્ડ ડિપોઝિટ’ (Fixed Deposit)દરેક મનુષ્ય જ્યારે જન્મ લે છે, ત્યારે તે
પોતાની સાથે પાછલા જન્મોના કર્મોનું એક ‘બેલેન્સ’ લઈને આવે છે. અધર્મીનું સુખ જે વ્યક્તિ અત્યારે ખરાબ કામ કરે છે છતાં સુખી છે, તેનો અર્થ એ છે કે તેના ‘કર્મ રૂપી બેંક ખાતા’ માં ગયા જન્મના પુણ્યોની મોટી FD (ફિક્સ્ડ ડિપોઝિટ) જમા છે. અત્યારે તે જે એશ-આરામ ભોગવે છે, તે તેના વર્તમાનના પાપની કમાણી નથી, પણ જૂના પુણ્યોનું વ્યાજ છે.
સજ્જનનું દુઃખ જે વ્યક્તિ પૂજા-પાઠ કરે છે સત્કર્મ કરે છે છતાં દુઃખી છે, તે તેના પૂર્વના કોઈ ‘દેવા’ (પાપ) ચૂકવી રહ્યો છે. અત્યારે તે જે ભક્તિ કરે છે સત્કર્મ કરે છે, તે તેના નવા ખાતામાં જમા થઈ રહી છે, જેનું ફળ તેને સમય આવ્યે ચોક્કસ મળશે. કુદરતનો એક નિયમ છે કે તે કોઈને પણ સજા આપતા પહેલા સુધરવાની પૂરતી તક આપે છે. ખરાબ માણસને મળતી સફળતા એ ખરેખર સફળતા નથી, પણ તેના પાપનો ઘડો ભરાવા માટેની મહેતલ છે.
જ્યારે પાપનો ઘડો છલકાય છે, ત્યારે તેની સત્તા, સંપત્તિ કે લાગવગ તેને બચાવી શકતી નથી. રાવણ પાસે સોનાની લંકા હતી અને તે મહાન પંડિત હતો, પણ જ્યારે તેના પાપનો ઘડો ભરાયો, ત્યારે તેનું પતન નિશ્ચિત બન્યું. તેનું સૈન્ય કે તેની સંપત્તિ તેને રામના બાણથી બચાવી ન શકી.
“વ્યાજ સહિત વસૂલાત”
તમે જોયું હશે કે ઘણીવાર જે લોકો ખોટી રીતે ધન કમાય છે, તેમના સંતાનો વ્યસની નીકળે છે, ઘરમાં કાયમી બીમારી રહે છે અથવા અચાનક કોઈ મોટું નુકસાન આવે છે. આ કુદરતની વ્યાજ સહિતની વસૂલાત છે. પાપની કમાણી ક્યારેય શાંતિ આપતી નથી. “કર્મના ચોપડે ક્યારેય ભૂલ થતી નથી, તમારી પાસે જે છે તે લાયકાત મુજબ છે, અને જે મળશે તે કર્મ મુજબ હશે.”ખોટા રસ્તે મેળવેલું સુખ એ ‘ભાડાના મકાન’ જેવું છે, જે ગમે ત્યારે ખાલી કરવું પડે. જ્યારે સત્યના માર્ગે મેળવેલું સુખ એ ‘પોતાના મકાન’ જેવું છે, ભલે નાનું હોય પણ કાયમી હોય છે.
કોઈના વૈભવને જોઈને લલચાવું નહીં અને પોતાના દુઃખને જોઈને સત્કર્મ છોડવું નહીં. યાદ રાખો કે ઈશ્વરના ન્યાયમાં ‘સ્પીડ’ ભલે ઓછી હોય, પણ તેની ‘ચોકસાઈ’ (Accuracy) ૧૦૦% હોય છે.

લેખિકા – દર્શના પટેલ નેશનલ મેડાલિસ્ટ

