ARTICLE : યુદ્ધની રાખમાં કરમાતા ફૂલ: ‘વિશ્વ યુદ્ધ અનાથ દિવસ’

0
40
meetarticle

​યુદ્ધ હંમેશા વિજેતાના નામ ઈતિહાસના પાના પર સુવર્ણ અક્ષરે લખે છે, પણ એ જ ઈતિહાસ એ માસૂમ આંખોના આંસુ લૂછવાનું ભૂલી જાય છે જેમણે પોતાની આખી દુનિયા યુદ્ધની વેદીમાં હોમી દીધી છે. જ્યારે કોઈ બોમ્બ ધડાકો થાય છે, ત્યારે માત્ર ઈમારતો જ નથી પડતી, પણ કોઈકનું આકાશ છીણવાઈ જાય છે.
​દર વર્ષે ૬ જાન્યુઆરીના રોજ ‘વિશ્વ યુદ્ધ અનાથ દિવસ’ ઉજવવામાં આવે છે. આ દિવસની શરૂઆત ફ્રેન્ચ સંસ્થા ‘SOS Enfants en Detresses’ દ્વારા કરવામાં આવી હતી. આ માત્ર એક કેલેન્ડરની તારીખ નથી, પણ એ લાખો બાળકોની વેદનાનો ચિત્કાર છે જેમના માથેથી પિતાનું છત્ર અને માતાની મમતા યુદ્ધના લોહીિયાળ પંજાએ છીણવી લીધી છે.
​આંકડાઓ જે હૃદય ધ્રુજાવી દેશે
​યુનિસેફ (UNICEF) અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના અહેવાલો મુજબ, યુદ્ધની કિંમત સૌથી વધુ બાળકો ચૂકવે છે:
​વિશ્વભરમાં અંદાજે ૧૫ કરોડથી વધુ બાળકો અનાથ છે, જેમાંથી લાખો બાળકો સશસ્ત્ર સંઘર્ષ અને યુદ્ધોને કારણે પાયમાલ થયા છે.
​એકલા અફઘાનિસ્તાન, સીરિયા અને યુક્રેન જેવા દેશોમાં છેલ્લા દાયકામાં લાખો બાળકોએ પોતાના માતા-પિતા ગુમાવ્યા છે.
​વિકાસશીલ દેશોમાં યુદ્ધ અનાથોમાંથી ૩૦% થી વધુ બાળકો કુપોષણ અને તબીબી સુવિધાના અભાવે પાંચ વર્ષની ઉંમર પહેલા જ દમ તોડી દે છે.
​કરુણતાની પરાકાષ્ઠા: ઉદાહરણો
​તમે કલ્પના કરો એ પાંચ વર્ષના બાળકની, જે સીરિયાના કાટમાળ નીચે દબાયેલી તેની માતાનો હાથ પકડીને તેને જગાડવાનો પ્રયત્ન કરે છે, તેને ખબર નથી કે એ હાથ હવે ક્યારેય તેને વહાલ નહીં કરે.
​૧. સીરિયાનો ઓમરાન: આપણને પેલો ફોટો યાદ છે? એમ્બ્યુલન્સની સીટ પર બેઠેલો ધૂળ અને લોહીથી લથબથ નાનકડો ઓમરાન, જેની આંખોમાં ડર પણ નહોતો, માત્ર એક શૂન્યાવકાશ હતો. તેણે પોતાનું ઘર અને સ્નેહીજનો ગુમાવ્યા હતા.
૨. ગાઝા અને યુક્રેન: આજે પણ હજારો બાળકો આશ્રય છાવણીઓમાં ઠંડીમાં ઠરતા, એક ટંકના રોટલા માટે વલખાં મારે છે. જે ઉંમરે હાથમાં પેન હોવી જોઈએ, એ ઉંમરે તેમના હાથમાં બંદૂકના છરા કે ભીખનો વાટકો આવી ગયો છે.
​”ખબર નહોતી કે વેરની જ્વાળા આટલી પ્રચંડ હશે,
મારું રમકડું પણ બળ્યું ને ઘરનું આંગણું પણ ગયું.
મેં તો માંગી હતી માત્ર માની ગોદ ને પિતાનો સાથ,
પણ નસીબમાં તો માત્ર આ યુદ્ધનો પથ્થર રહ્યો.”
​આપણો ધર્મ અને જાગૃતિ
​યુદ્ધ અનાથ બાળકો માત્ર આંકડા નથી, તેઓ જીવતા જાગતા જખમ છે. આ દિવસ આપણને યાદ અપાવે છે કે માનવતા હજુ પણ હારી રહી છે. આ બાળકોને માત્ર અન્ન કે વસ્ત્રની જરૂર નથી, તેમને જરૂર છે એક એવા સમાજની જે તેમને અનાથ હોવાનો અહેસાસ ન થવા દે.
​જ્યારે સત્તાધીશો નકશા પર લીટીઓ દોરે છે, ત્યારે એ લીટીઓ હજારો પરિવારોના હૃદય ચીરી નાખતી હોય છે. ચાલો, આ ૬ જાન્યુઆરીએ આપણે સંકલ્પ કરીએ કે યુદ્ધના અંધકારમાં ખોવાયેલા આ માસૂમ તારલાઓને ફરીથી આશાનું કિરણ બતાવીએ. કારણ કે, યુદ્ધમાં ભલે જીત ગમે તેની થાય, પણ હાર તો હંમેશા માનવતાની જ હોય છે.

લેખક : અશ્વિન ગોહિલ

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here