સમાજ માં એક માન્યતા પ્રસ્થાપિત થઈ ગઈ છે કે સ્ત્રી માટે તેનું “પિયર” (માતા-પિતાનું ઘર) એ થાક અને તણાવમાંથી મુક્ત થવાનું એક સુરક્ષિત આશ્રયસ્થાન છે. ઘરની જવાબદારીઓ, કામકાજની દોડધામ કે જીવનના સંઘર્ષોથી થાકીને તે ત્યાં જઈ શકે છે, જ્યાં તેને હૂંફ, પ્રેમ અને નિઃશરત આરામ મળે છે.પરંતુ, જ્યારે વાત પુરુષની આવે છે, ત્યારે આ સવાલ ઊભો થાય છે.”પુરુષ થાકીને ક્યાં જાય?”
પુરુષને સામાન્ય રીતે લાગણીઓ વ્યક્ત ન કરનાર, મજબૂત અને સમસ્યાઓનો ઉકેલ લાવનાર વ્યક્તિ તરીકે જોવામાં આવે છે. તેના ખભા પર કુટુંબ, આર્થિક જવાબદારીઓ અને સુરક્ષાનો ભાર હોય છે. આ ભાર સતત વહન કરવાથી તે માનસિક અને ભાવનાત્મક રીતે થાકી જાય છે, પરંતુ તેના માટે કોઈ સ્પષ્ટ કે સ્વીકૃત “પિયર” જેવું સ્થાન નથી.
પુરુષને તેના ઘરે ‘યજમાન’ કે ‘આધારસ્તંભ’ તરીકે રહેવું પડે છે, તે ક્યારેય મહેમાન બનીને આરામ કરી શકતો નથી. તે થાકી જાય તો પણ, તેને ‘કામ પર લાગી જાઓ’ એમ કહેવામાં આવે છે. સમાજ શીખવે છે કે પુરુષે રડવું નજોઈએ કે દુઃખી ન થવું જોઈએ. આથી, તે પોતાના થાક અને નિરાશાને વ્યક્ત કરી શકતો નથી અને તે અંદર જ દબાવે છે. પુરુષોનું નવું “વિશ્રામ સ્થળ” ક્યાં હોવું જોઈએ?પુરુષને શારીરિક આરામ કરતાં પણ વધુ ભાવનાત્મક આરામની જરૂર હોય છે. આ આરામ બહારની દુનિયામાં નહીં, પરંતુ ઘરની અંદર અને પોતાના સંબંધોમાં શોધવો પડે છે.પત્ની કે જીવનસાથી સાથેનો સંબંધ માત્ર જવાબદારી વહેંચવાનો નહીં, પણ મનની વાત વહેંચવાનો હોવો જોઈએ. પત્નીએ તેના પતિ માટે ‘પિયર’ જેવું ભાવનાત્મક વાતાવરણ બનાવવું, જ્યાં તે સુરક્ષિત અનુભવે અને માથું મૂકીને શાંતિથી રડી શકે. મિત્રો સાથેનો સમય માત્ર હસી-મજાકનો નહીં, પણ મનની વાત ખોલીને વાત કરવાનો હોવો જોઈએ.પુરુષે પોતાના માટે શોખ, ધ્યાન કે કસરત માટે સમય કાઢવો જોઈએ, જે તેને માનસિક ભાર હળવો કરવામાં મદદ કરે છે.

આપણે એક એવા સમાજનું નિર્માણ કરવું પડશે, જ્યાં પુરુષોને “તું પણ થાકી શકે છે” એમ કહેવામાં આવે. તેમનો થાક અને તેમની પીડા પણ સ્વીકારાય. માત્ર સ્ત્રીઓ માટે જ નહીં, પણ પુરુષો માટે પણ ઘર એક એવી જગ્યા બનવી જોઈએ, જ્યાં થાક ઉતારવા માટે કોઈ મંઝિલની જરૂર ન પડે, પણ બસ હૂંફ મળે.
અંતે પુરુષો માટે એક ખાસ સંદેશ”હે યોદ્ધા, યાદ રાખજો. મજબૂત હોવું એટલે સતત લડતા રહેવું નહીં. તમારી લાગણીઓને છુપાવવી એ વીરતા નથી, પણ તેને વ્યક્ત કરવી એ સાચી હિંમત છે. તમારું મૂલ્ય તમારા બોજમાં નથી, પણ તમારી શાંતિમાં છે. થાક લાગે તો રોકાઈ જજો, બોજ લાગે તો વહેંચી દેજો. તમારી સંભાળ લેવી એ ફરજ છે, અને આરામ કરવો એ તમારો હક છે. તમે અનમોલ છો.

લેખિકા -દર્શના પટેલ (નેશનલ મેડાલિસ્ટ)

