ગુજરાતમાં અત્યારે એક નવો ‘ધંધો’ જોરમાં છે—નામ છે ‘હનીટ્રેપ’. સોશિયલ મીડિયાના જમાનામાં પ્રેમ તો ઓછો મળે છે, પણ હવસ અને લાલચનું ઝેર ચારેબાજુ ફેલાયેલું છે. રૂપરૂપના અંબાર જેવી યુવતીઓ, ફેસબુક-ઈન્સ્ટાગ્રામ પર આવતી ફ્રેન્ડ રિક્વેસ્ટ અને મધમીઠી વાતો… બસ, આટલી જ જરૂર હોય છે એક પ્રતિષ્ઠિત પુરુષને રસ્તા પર લાવવા માટે.
મોહજાળમાં ફસાતા ‘સફેદ કોલર’ બાબુઓ
તાજેતરના કિસ્સાઓ પર નજર કરીએ તો ખબર પડે કે હનીટ્રેપની જાળમાં માત્ર સામાન્ય માણસો જ નહીં, પણ મોટા ઉદ્યોગપતિઓ, સરકારી અધિકારીઓ અને રાજકારણીઓ પણ શિકાર બની રહ્યા છે. ભ્રષ્ટાચાર કરીને કમાયેલા કાળા નાણાં જ્યારે વાપરવાની ભૂખ જાગે છે,

ત્યારે જ આ મોહિનીઓ ત્રાટકે છે. પહેલા મિત્રતા થાય, પછી મુલાકાત થાય અને અંતે એક હોટલના રૂમમાં બધું જ શૂટ થઈ જાય. પછી શરૂ થાય છે અસલી ખેલ—બ્લેકમેઈલિંગ!
કેવી રીતે કામ કરે છે આ ‘ગિરોહ’?
આ કોઈ એકલ-દોકલ વ્યક્તિનું કામ નથી, આ એક પૂરેપૂરું વ્યવસ્થિત નેટવર્ક છે.
શિકારની શોધ: પહેલા સોશિયલ મીડિયા પર એવા માણસોને ટાર્ગેટ કરવામાં આવે છે જેમની પાસે પૈસો અને સામાજિક પ્રતિષ્ઠા બંને હોય.
મધમીઠી જાળ: વીડિયો કોલ પર અશ્લીલ ચેષ્ટાઓ કરવી અને સામેવાળાને ઉશ્કેરવો.
કેમેરાનો ખેલ: છૂપા કેમેરા કે મોબાઈલ રેકોર્ડિંગ દ્વારા સંબંધો બાંધતી વખતના વીડિયો ઉતારી લેવા.
તોડપાણી: વીડિયો વાયરલ કરવાની કે પોલીસ કેસ કરવાની ધમકી આપીને લાખો-કરોડો રૂપિયા પડાવવા.
સભ્ય સમાજનું કદરૂપું પાસું
ગુજરાતના સુરત, રાજકોટ અને અમદાવાદ જેવા શહેરોમાં હનીટ્રેપના કેસોમાં ઉછાળો આવ્યો છે. અનેક કિસ્સાઓમાં તો પોલીસ કે વકીલોની મિલીભગત પણ બહાર આવી છે. શરમની વાત તો એ છે કે, પોતાની આબરૂ બચાવવા માટે ઘણા લોકો તો પોલીસ ફરિયાદ પણ કરતા નથી અને અંદરખાને પતી જાય છે. જે લોકો ફરિયાદ કરે છે, તેમની આબરૂના ધજાગરા જાહેર ચોકમાં થાય છે.
સરકાર અને તંત્રની લાચારી?
ACB અને પોલીસ વિભાગ ભલે દાવા કરે કે તેઓ સજાગ છે, પણ હનીટ્રેપ કરનારી આ ટોળકીઓ ટેકનોલોજીનો ઉપયોગ કરીને કાયદાના છીંડાઓ શોધતી રહે છે. રાજ્યમાં આર્થિક ગુનાઓ તો વધ્યા જ છે, પણ આ નૈતિક પતન વધુ ભયાનક છે. સવાલ એ છે કે, જ્યારે રક્ષક જ ભક્ષક બને અથવા તો મોટા માથાઓ આમાં સંડોવાયેલા હોય, ત્યારે ન્યાયની અપેક્ષા કોની પાસે રાખવી?
સાવચેતી એ જ સલામતી
પુરુષોએ સમજવાની જરૂર છે કે સોશિયલ મીડિયા પર કોઈ અજાણી સુંદરી જ્યારે સામેથી વાત કરવા આવે, ત્યારે તે ‘પ્રેમ’ નથી હોતો પણ ‘પ્રેમની જાળ’ હોય છે. તમારી એક ક્ષણની નબળાઈ તમારા વર્ષોની મહેનત અને પરિવારની ઈજ્જતને માટીમાં મેળવી શકે છે.
યાદ રાખજો, મધ મીઠું હોય છે પણ હનીટ્રેપનું મધ જીવલેણ હોય છે!
લેખક અશ્વિન ગોહિલ

