ARTICLE : “હવે તમારો ‘ટાઈમ’ નહીં, ‘જમાનો’ આવશે”

0
10
meetarticle

આ સૃષ્ટિમાં દરેક કણનો એક ચોક્કસ હેતુ હોય છે, અને માનવ તરીકે આપણો જન્મ કોઈ સાધારણ ઘટના નથી. આપણે અવારનવાર બીજાના રસ્તે ચાલવાની અને બીજા જેવું દેખાવાની આંધળી દોટમાં આપણી પોતાની મૌલિકતા ખોઈ બેસીએ છીએ. પરંતુ યાદ રાખજો, તમે અહીં બીજા જેવું બનવા માટે નહીં, પણ કંઈક એવું કરવા આવ્યા છો જે બીજું કોઈ ન કરી શકે. જ્યારે તમે તમારી સરખામણી બીજા સાથે કરો છો, ત્યારે તમે તમારી પોતાની દિવ્યતાનું અપમાન કરો છો. તમારી પાસે જે વિચારો, જે દ્રષ્ટિકોણ અને જે સંઘર્ષની ક્ષમતા છે, તે વિશ્વમાં અન્ય કોઈની પાસે નથી. આ સત્યને સ્વીકારવું એ જ સફળતાનું પ્રથમ પગથિયું છે. જીવન હંમેશા સુખદ અને સરળ હોવું જોઈએ એવી આપણી અપેક્ષા જ આપણને નબળા પાડે છે. વાસ્તવમાં, શાંત સમુદ્ર ક્યારેય કુશળ નાવિક નથી બનાવી શકતો. જીવનના તોફાનો જ તમારી અસલી શક્તિની કસોટી કરે છે અને મુશ્કેલીઓ આપણને ડૂબાડવા માટે નહીં, પણ આપણી અંદર છુપાયેલી એ શક્તિઓને જગાડવા માટે આવે છે જેની આપણને પોતે પણ જાણ હોતી નથી.


સાચી સફળતા એ નથી કે તમે કેટલા ઉપર પહોંચ્યા, પણ એ છે કે પડ્યા પછી તમે કેટલી વાર અને કેટલી ઝડપથી પાછા ઊભા થયા. વિજેતા એ નથી હોતો જે ક્યારેય નિષ્ફળ નથી ગયો, પણ વિજેતા એ હોય છે જેણે ક્યારેય હાર માની નથી. આ પ્રવાસમાં લોકો શું કહેશે એ વિચારશો તો ક્યારેય આગળ નહીં વધી શકો, કારણ કે લોકોના અભિપ્રાય સવાર-સાંજ બદલાતા હોય છે પણ તમારું લક્ષ્ય અડગ હોવું જોઈએ. લોકોના ટોણાને તાળીઓમાં બદલવાની શક્તિ માત્ર તમારી પાસે છે. જાગો, લડો અને જીતીને બતાવો, કારણ કે આ રમત તમારી છે અને એનો વિજેતા પણ તમારે જ બનવાનું છે. દુનિયાને તમારી નિષ્ફળતાના બહાનામાં કોઈ રસ નથી, એને માત્ર તમારી સફળતાનું પરિણામ જોવું છે. તમારી મહેનત એવી કરો કે ખુદ ‘મહેનત’ પણ તમારી સામે હાથ જોડીને ઉભી રહી જાય અને કહે કે, “ભાઈ, હવે તો મારે પણ તારા નસીબ આગળ હાર માનવી પડશે, કારણ કે હવે ખરેખર તારો જ ટાઈમ છે!”


નસીબના ભરોસે બેસનારાઓને એટલું જ મળે છે જેટલું મહેનત કરનારાઓ ઠોકર મારીને છોડી દે છે. સાહેબ, જિંદગીની વાર્તા તો બધા લખે છે, પણ તમે એવો ઇતિહાસ લખજો કે જ્યારે તમારી જિંદગીની છેલ્લી ક્ષણ હોય ને, ત્યારે અરીસામાં જોઈને તમારી પોતાની આંખો પણ તમને સલામ કરે! યાદ રાખજો, તમે અહીં માત્ર શ્વાસ લેવા નથી આવ્યા, પણ આ દુનિયામાં એક એવી સુગંધ છોડવા આવ્યા છો જે તમારા ગયા પછી પણ વર્ષો સુધી મહેકતી રહે. જ્યારે તમે આ દુનિયામાં આવ્યા ત્યારે તમે રડતા હતા અને દુનિયા હસતી હતી, પણ મહેનત એવી કરજો કે જ્યારે તમે આ દુનિયા છોડો ત્યારે તમે હસતા હોવ અને આખી દુનિયા રડતી હોય! રસ્તો ગમે તેટલો લાંબો હોય, પણ તમારા એક મક્કમ ડગલાથી એ ટૂંકો થઈ જાય છે. તમારી જાત પર વિશ્વાસ રાખજો, કારણ કે ઈશ્વર ક્યારેય કોઈને નકામો બનાવીને પૃથ્વી પર નથી મોકલતો.


તમારા લોહીમાં જો ઉકળાટ નથી તો એ લોહી નહીં પણ પાણી છે, અને જો આ લખાણ વાંચ્યા પછી પણ તમારામાં જોશ નથી આવતો તો તમે જીવતા નથી, બસ શ્વાસ લો છો! તમારી અંદરનો સૂરજ હજી આથમી નથી ગયો, એ તો બસ નવી સવારની રાહ જુએ છે. આ લખાણ વાંચીને જો તમારા હૃદયના ધબકારા વધી ગયા હોય, તો સમજી લેજો કે તમારી અંદરનો સિંહ હજી જીવતો છે. હવે મોડું ના કરો, અત્યારે જ નક્કી કરો કે તમારે ઈતિહાસ વાંચવો છે કે ઈતિહાસ લખવો છે! ઉઠો, અને પોતાની જાતને એ સાબિત કરી બતાવો જે દુનિયાને અશક્ય લાગતું હતું. એવી તૈયારી કરો કે જ્યારે તમે મેદાનમાં ઉતરો ત્યારે વિરોધીઓ હારવાની નહીં, પણ જીવ બચાવવાની પ્રાર્થના કરે!

લેખક -એન્જી. હાર્દિક ચંદારાણા

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here