સેવન્થ ડે જેવી બેજવાબદાર શાળાઓ બંધ કરવાની માંગણી શનિવારે ખોખરામાં હત્યા કરી દેવાયેલા વિદ્યાર્થી નયનની શ્રદ્ધાંજલિ સભામાં ઉઠી હતી. સિંધી સમાજના તેજસ્વી વિદ્યાર્થી નયનની હત્યા તેની જ શાળા સેવન્થ ડેમાં સામાન્ય તકરારમાં કરી દેવામાં આવી હતી અને હત્યા મામલામાં શાળાની ગંભીર બેદરકારી સામે આવી રહી છે.
સરકારે ગ્રાન્ટેબલ શાળાની જવાબદારી ગળામાંથી કાઢવા ખાનગીને પ્રોત્સાહન આપ્યું. જ્યારે ખાનગી શાળાઓ સંસ્થાઓ નથી કેળવણીના ‘કારખાના’ બની રહી છે. ખાનગી સંસ્થાઓના સંચાલકોનું ધ્યાન શિક્ષણના સ્તર પર નહીં, તિજોરીમાં વધતી નોટોના સ્તર પર વધુ હોય છે. મંજુરી આપ્યા બાદ શાળામાં શિક્ષણ કેવુ છે? શિક્ષકોને કેટલો પગાર અપાય છે? વિદ્યાર્થીઓની માનસિકતા કેવી છે? આસપાસમાં ડ્રગ્સ વેચાય છે કે નહીં તે મુદ્દે બાબુઓ કેમ મુંગામંતર છે?
અમદાવાદ શહેરની સેવન્થ ડે સ્કૂલ પાસે થયેલી સગીરની હત્યાને લઈને વેપારીઓ અને સમગ્ર સમાજમાં ભારે રોષ ફેલાયો છે. આ ઘટનાના વિરોધમાં અને મૃતક સગીરને શ્રદ્ધાંજલિ આપવા માટે આજે જન આક્રોશ વાલીમંડળ સંઘર્ષ સમિતિ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં નયનનાં પરિવારજનો સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. એમાં VHPના કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર ભાવાણીએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે ‘આ નયનની હત્યા નથી, પરંતુ સમગ્ર હિન્દુ સમાજની અસ્મિતાની હત્યા છે, સરકાર હત્યારાઓને તેમની ઓકાત નહીં બતાવે તો હિન્દુ સમાજ તેમને તેમની ઓકાત બતાવશે’.
વિદ્યાર્થીના ન્યાય માટે વેપારીઓ મેદાન આવ્યા છે. વેપારીઓએ આજે બંધ પાલન કરીને મૃતક વિદ્યાર્થી માટે ન્યાયની માંગ કરી છે.
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ખોખરા ખાતે આવેલી વિવાદાસ્પદ સેવન્થ ડે સ્કૂલમાં ધોરણ-10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીની હત્યાના મામલે ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં શાળાના આચાર્ય અને તેમના સ્ટાફની ગંભીર બેદરકારી સામે આવતા આ મામલે સ્કૂલના આચાર્ય, સિક્યોરીટી ગાર્ડ અને એડમિનિસ્ટ્રેશન સ્ટાફ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં જાણવા મળ્યું હતું કે, શાળાની બહાર આરોપી વિદ્યાર્થીએ પેટમાં બોક્સ કટરના ઘા માર્યા હતા. ત્યારબાદ મૃતક નયન સંતાણી પેટને રૂમાલથી કવર કરીને ચાલતો ચાલતો સ્કૂલની પાળી પર આવીને બેસી ગયો હતો. આ સમયે સિક્યોરીટી ગાર્ડથી માંડીને અન્ય સ્ટાફને જાણ થઈ હોવા છતાંય, તેને હોસ્પિટલ લઈ જવાની કે પોલીસ જાણ કરવાની તસ્દી લીધી નહોતી. ત્યારે આ બાબતની ગંભીર નોંધ લઇને ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોંધ્યો છે. જોકે, આ મામલે વિદ્યાર્થીના ન્યાય માટે વેપારીઓ મેદાન આવ્યા છે. વેપારીઓએ આજે બંધ પાલન કરીને મૃતક વિદ્યાર્થી માટે ન્યાયની માંગ કરી છે.
હત્યારાને ફાંસીની સજા તો થવી જ જોઈએઃ પરિવારની લાગણી
મૃતક વિદ્યાર્થી નયનના પિતા ગિરીશ સંતાણીએ જણાવ્યું કે, મારા દીકરાને છરી વાગી તે બાદ તે 50 મિનિટ સુધી સ્કૂલમાં બેસી રહ્યો હતો. સ્કૂલ દ્વારા કોઈ મદદ જ કરવામાં આવી નથી. જેથી આ પ્રકારની સ્કૂલો દેશભરમાં બંધ થાય તેવી અમારી માંગણી છે. કારણ કે સ્કૂલો જ વિદ્યાર્થીઓને ના જાણી શકે તે સ્કૂલનું શું કરવાનું. હત્યારાને બે વર્ષની સજા મળે તેવું અમે નથી ઇચ્છતા હત્યારાને ફાંસીની સજા મળે તો જ મારા દીકરાની આત્માને શાંતિ મળશે અને શ્રદ્ધાંજલિ મળશે.
VHPએ આ કૃત્યને કટ્ટરવાદી જેહાદી હુમલો ગણાવ્યો
નયન હત્યા કેસ બાદ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આ ઘટનાની કડક શબ્દોમાં નિંદા કરવામાં આવી છે. VHPના નેતાએ આ કૃત્યને ‘ભારત માતા પર કુઠારાઘાત’ ગણાવીને જણાવ્યું હતું કે, આ હત્યા ‘ઇસ્લામ પ્રેરિત જેહાદીઓ’ દ્વારા કરવામાં આવી છે. તેમણે 1400 વર્ષથી હિન્દુ સમાજ ઇસ્લામથી પરેશાન છે તેવો આક્ષેપ પણ કર્યો હતો. સમગ્ર હિન્દુ સમાજ, VHP, અને બજરંગ દળ દ્વારા નયનને શ્રદ્ધાંજલિ અર્પણ કરી આ મામલે કડક કાર્યવાહીની માગ કરવામાં આવી છે.
ભારતમાં હવે હિન્દુઓને એક થવું પડે તેવી સ્થિતિ સર્જાઈઃ વિહિપ નેતા
વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર ભાવાણીએ આ ઘટનાને માત્ર એક ગુનો નહીં, પરંતુ હિન્દુ સમાજ પરનો હુમલો ગણાવ્યો. તેમણે જણાવ્યું કે, ‘પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર થતો હતો, પરંતુ હવે ભારતમાં પણ હિન્દુઓ મરી રહ્યા છે.’ આ ઘટનાને અફસોસજનક ગણાવીને તેમણે સમાજને એક થવાની હાકલ કરી હતી.
જો 15 દિવસમાં ન્યાય નહીં મળે તો કૂચ કરવાની ચીમકી
હિન્દુ સંગઠનોએ નયનના હત્યારાને કડક સજા મળે તેવી માગણી કરી છે. આ ઘટના અંગે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, હિન્દુઓને સુરક્ષા કવચ આપનાર રાજનેતાઓ જોઈએ છે, જેમણે ઈતિહાસમાં મહારાણા પ્રતાપ, છત્રપતિ શિવાજી, કૃષ્ણદેવ રાય, અને વીર સાવરકર જેવું નેતૃત્વ પૂરું પાડ્યું હતું. સરકાર 15 દિવસની અંદર નયનને ન્યાય નહીં અપાવે તો હિન્દુ સમાજ જગન્નાથ મંદિરથી સેવન્થ ડે સ્કૂલ સુધી કૂચ કરશે. તેમણે ચેતવણી આપી કે, આ કૂચના જે પરિણામ આવશે તેની જવાબદારી સરકારની રહેશે.



