ભાવનગર તાલુકાના રામપર અને સુરકા ગામે કુદરતી તળાવને તોડવાનું કામ શરૂ કરાતા કોંગ્રેસ અને સ્થાનિક ગામના સરપંચોએ વિરોધ નોંધાવી આગેવાનો પ્રાંત કચેરી ખાતે ધરણાં પર બેસી ગયા હતા.
રામપર અને સુરકા ગામના સરપંચોએ ગઈકાલે પ્રાંત અધિકારીને લેખિતમાં રજૂઆત કરી બન્ને ગામમાં આવેલા કુદરતી તળાવને તોડવાનું કામ અટકાવવા માંગણી કરી હતી. પરંતુ તેમની રજૂઆતને ધ્યાને ન લેવાતા ભાવનગર જિલ્લા પંચાયતના વિપક્ષના નેતા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ, તાલુકા સદસ્યો, આગેવાનો અને સરપંચો પ્રાંત કચેરી ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેમને મળવા દેવામાં ન આવતા આગેવાનો અઢી કલાક સુધી ધરણાં પર બેસી ગયા હતા. જિ.પં.ના વિપક્ષના નેતા બળદેવ સોલંકીએ જણાવ્યું હતું કે, ધરણાં સમયે મામલો ગરમ થતાં પોલીસ દોડી આવી હતી. પ્રાંત અધિકારીએ મામલતદારે સ્થળ તપાસ માટે મોકલ્યા બાદ આખરે તળાવને ખોદવાનું કામ બંધ કરાયું હતું.

