ભરૂચ જિલ્લાના કેળાના ખેડૂતો હાલ ભારે મુશ્કેલીમાં મુકાયા છે. બજારમાં કેળાની માગ કરતાં પુરવઠો વધી જતાં ભાવમાં 50%નો મોટો કડાકો બોલ્યો છે. અગાઉ 20 કિલો કેળાનો ભાવ રૂ. 300 હતો, જે ઘટીને હાલ માત્ર રૂ. 120થી 150 થઈ ગયો છે, જેના કારણે ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
ભરૂચ જિલ્લામાં, ખાસ કરીને ઝઘડિયા તાલુકામાં, કેળાનું મોટા પાયે વાવેતર થાય છે. ચાલુ વર્ષે 6010 હેક્ટર વિસ્તારમાં કેળાનું વાવેતર થયું છે. જોકે, પાકની સિઝનની શરૂઆતમાં જ આવેલા વાવાઝોડા અને ભારે વરસાદને કારણે કેળાના પાકને વ્યાપક નુકસાન થયું હતું. પરિપક્વ થયેલા કેળના છોડ જમીનદોસ્ત થઈ ગયા હતા, જેના કારણે ખેડૂતોને પહેલેથી જ આર્થિક ફટકો પડ્યો હતો.
આટલું નુકસાન વેઠ્યા બાદ ખેડૂતોએ મહામહેનતે ફરી પાક તૈયાર કર્યો હતો, પરંતુ હવે પુરવઠો વધવાને કારણે ભાવમાં ઘટાડો થયો છે. આ બેવડા નુકસાનથી કેળાની ખેતી કરતા ખેડૂતોની હાલત કફોડી બની છે.ગુજરાતભરમાં કેળાના વાવેતરમાં વધારો થઈ રહ્યો છે, અને ભરૂચ જિલ્લામાં પણ ચાલુ વર્ષે 6971 હેક્ટરમાં કેળનું વાવેતર નોંધાયું છે. આ સ્થિતિમાં, ખેડૂતોને ટેકાના ભાવ મળે તે માટે સરકારની મદદની અપેક્ષા છે.


