બનાસકાંઠાના પાલનપુરમાં માનવતાને લજવતી અને કાળજું ધ્રુજાવી દે તેવી હત્યાની ઘટના સામે આવી છે. ધર્મના ભાઈ બનાવી વર્ષો સુધી વિશ્વાસ કેળવ્યા બાદ, એક મહિલાએ તેના સાગરિતો સાથે મળીને પોતાના જ ‘ભાઈ’ની પત્નીની હત્યા કરી હતી. 79 તોલા સોનું અને 2 લાખ રૂપિયા પરત ન આપવા પડે તે માટે આ આખું ખૂની ખેલ ખેલાયું હતું.

શું હતી સમગ્ર ઘટના?
પાલનપુરના હનુમાન ટેકરી વિસ્તારમાં રહેતા વસંત આકેડીવાલાની પત્ની શાંતિબેન આકેડીવાલા ગત 22મી માર્ચની સાંજે દૂધ લેવા નીકળ્યા બાદ રહસ્યમય રીતે ગુમ થયા હતા. પરિવારે ભારે શોધખોળ કરી પરંતુ કોઈ પત્તો લાગ્યો નહોતો. આ દરમિયાન 26મી માર્ચની વહેલી સવારે આબુ હાઇવે પર ઇન્કમટેક્સ ઓફિસ સામે આવેલા એક બંધ શોરૂમના ભોંયરામાંથી શાંતિબેનનો મૃતદેહ કોથળામાં પેક કરેલી હાલતમાં મળી આવતા સનસનાટી મચી ગઈ હતી.
આ મામલે પોલીસ તપાસમાં જે વિગતો બહાર આવી છે તે ચોંકાવનારી છે, મુખ્ય આરોપી રેખા તેજા રાઠોડ છેલ્લા 15 વર્ષથી વસંતભાઈના પરિવાર સાથે જોડાયેલી હતી અને વસંતભાઈને ધર્મના ભાઈ માની રાખડી બાંધતી હતી. એક વર્ષ અગાઉ રેખાએ પશુપાલનનો ધંધો કરવા માટે વસંતભાઈ પાસેથી તબક્કાવાર 79 તોલા સોનાના દાગીના અને 2 લાખ રોકડા લીધા હતા. શાંતિબેન અવારનવાર દાગીનાની ઉઘરાણી કરતા હોવાથી રેખાએ તેમને રસ્તેથી હટાવવાનું નક્કી કર્યું.જેથી તેણે રાત્રે તેના ફર્નિચરની દુકાને દાગીના અને રોકડ લેવા બોલાવ્યા હતા. જ્યાં પહેલેથી હાજર રેખા તેજા રાઠોડ, તેજા દેવા રાઠોડ, રોહિત મકવાણા અને વિષ્ણુ વાલ્મિકીએ શાંતિબેનને પ્રસાદમાં ઘેનની ગોળીઓ આપી હતી, બાદમાં કલચ વાયરથી ગળે ટૂંપો આપીને હત્યા કરી હતી. મૃતદેહનો નિકાલ કરવા પહેલા દેલવાડા લઈ ગયા, પરંતુ ત્યાં લોકોની અવરજવર હોવાથી અંતે આબુ હાઇવે પર અવાવરૂ શોરૂમના ભોંયરામાં લાશ ફેંકી દીધી.
સીસીટીવી ફૂટેજથી ફૂટ્યો ભાંડો
શાંતિબેન ગુમ થયા ત્યારે આરોપી રેખા પણ પરિવાર સાથે તેમને શોધવાનો ઢોંગ કરતી હતી. જોકે, પોલીસે સીસીટીવી ચેક કરતા શાંતિબેન રેખાની દુકાને જતા દેખાયા હતા, પરંતુ ત્યાંથી બહાર નીકળતા જોવા મળ્યા નહોતા. શંકા જતાં પોલીસે કડક પૂછતાછ કરી અને રેખા ભાંગી પડી, તેણે સમગ્ર હત્યાકાંડની કબૂલાત કરી હતી.
હત્યામાં સંડાવાયેલા રેખા તેજાભાઈ રાઠોડ (મુખ્ય સૂત્રધાર), તેજાભાઈ રાઠોડ, રોહિત મકવાણા અને વિષ્ણુ વાલ્મિકી સામે ગુનો દાખલ કરી તેમની અટકાયત કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

