શક્તિપીઠ અંબાજી ખાતે 2026ની મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે શ્રી શંભુ પંચ દસનમ આવાહન અખાડા દ્વારા સાધુ મહામેળાનું આયોજન કરવામાં આવ્યું છે. 11 થી 15 જાન્યુઆરી દરમિયાન યોજાનારા આ પાંચ દિવસીય કાર્યક્રમમાં ભારતભરમાંથી હજારોની સંખ્યામાં નાગા સાધુ-સન્યાસીઓ શાહી સ્નાન કરશે.

અંબાજીમાં શાહી સ્નાનની આ પરંપરા છેલ્લા ચાર વર્ષથી ચાલી આવે છે અને આ વર્ષે તેનું પાંચમું આયોજન છે. આ પ્રસંગે ફરી એકવાર અંબાજીમાં સંતોનો જમાવડો જોવા મળશે. કાર્યક્રમની શરૂઆત 11મી જાન્યુઆરીના રોજ સંતોના આગમન સાથે થશે. ત્યારબાદ ગણપતિ પૂજા, ધર્મધજા સ્થાપન, ગૌ પૂજા અને કન્યાપૂજન જેવી વિવિધ ધાર્મિક વિધિઓ યોજાશે.
મકરસંક્રાંતિ 14મી જાન્યુઆરીએ બપોરે ત્રણ કલાકે શરૂ થતી હોવાથી, મુખ્ય શાહી સ્નાન 15મી જાન્યુઆરીએ સૂર્યોદય સમયે કરવામાં આવશે. આ પવિત્ર દિવસો દરમિયાન રાત્રિના સમયે અંબાજીના માનસરોવર કુંડ ખાતે ગંગા આરતીનું પણ આયોજન કરાયું છે. 15મી જાન્યુઆરીએ સાધુ-સંતોના શાહી સ્નાન બાદ કાર્યક્રમની પૂર્ણાહુતિ થશે. અંબાજી ગામના નાગરિકો અને સાધુ-સંતો દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા માટે તૈયારીઓ ચાલી રહી છે. શ્રી શંભુ પંચદશનમ આવાહન અખાડા શાખા અંબાજી દ્વારા તમામ ભાવિક ભક્તોને આ ધાર્મિક કાર્યક્રમમાં પધારવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
REPOTER : અરવિંદ અગ્રવાલ,અંબાજી
