BANASKANTHA : આદ્યશક્તિના ધામ અંબાજી ખાતે ત્રિદિવસીય ‘૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-૨૦૨૬’નો ભવ્ય પ્રારંભ

0
15
meetarticle

પવિત્ર યાત્રાધામ તથા આદ્ય શક્તિપીઠ અંબાજી ખાતે ગુજરાત સરકાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આયોજિત ત્રણ દિવસીય ‘૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-૨૦૨૬’નો વન અને પર્યાવરણ રાજ્યમંત્રીશ્રી પ્રવીણભાઈ માળીની ઉપસ્થિતિમાં પ્રારંભ થયો હતો. આ પ્રસંગે મંત્રીશ્રીએ જગતજનની માઁ અંબાના દર્શન અને પૂજન કરી રાજ્યની જનતાની સુખાકારી, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. ત્યારબાદ પરંપરાગત પાલખી યાત્રા અને પવિત્ર જ્યોત યાત્રાને લીલી ઝંડી આપી વિધિવત રીતે પ્રસ્થાન કરાવ્યું હતું.

આ પ્રસંગે વન અને પર્યાવરણ રાજ્યમંત્રીશ્રી પ્રવીણભાઈ માળીએ જણાવ્યું હતું કે, ભારતીય સંસ્કૃતિની સૌથી મોટી તાકાત તેની આધ્યાત્મિક શક્તિમાં રહેલી છે. શ્રદ્ધા અને પ્રાર્થના માનવીના જીવનને નવી દિશા અને નવી ઊર્જા આપે છે. જીવનમાં મુશ્કેલીઓ અને પડકારો આવે ત્યારે ભક્તિ, સ્તુતિ અને આરાધનાનો માર્ગ માનસિક શાંતિ અને આત્મબળ પૂરું પાડે છે. મંત્રીશ્રીએ પોતાના વિદેશ પ્રવાસના અનુભવો અંગે જણાવ્યું હતું કે, અનેક વિકસિત દેશોમાં સુખ-સુવિધાઓ હોવા છતાં આધ્યાત્મિકતાના અભાવે માનસિક તણાવ અને આત્મહત્યાના કિસ્સાઓ વધતા જાય છે, જ્યારે ભારત જેવી તપોભૂમિમાં જન્મ લેવો આપણું સૌભાગ્ય છે, જ્યાં માઁ અંબાના ચરણોમાં શરણાગતિ લેતા જ જીવનની અનેક મૂંઝવણોનો ઉકેલ પ્રાપ્ત થાય છે.

મંત્રીશ્રીએ આ શક્તિપીઠ પ્રોજેક્ટના ઈતિહાસ અંગે જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૦૮માં તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશભરના ૫૧ શક્તિપીઠોના દર્શન એક જ સ્થળે ભક્તોને પ્રાપ્ત થાય તેવું પવિત્ર સ્વપ્ન સેવ્યું હતું, જે આજે સાકાર થતું જોવા મળે છે. ત્રિશુલિયા ઘાટ ખાતે સ્થાપિત થનાર ત્રિશૂલને તેમણે અત્યંત પુણ્યશાળી અને ધાર્મિક મહત્વ ધરાવતું કાર્ય ગણાવ્યું હતું.

આ પ્રસંગે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સભ્ય સચિવશ્રી રમેશ મિર્જાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દ્રઢ નેતૃત્વ હેઠળ ગુજરાતના યાત્રાધામોનો સર્વાંગી વિકાસ અને કાયાકલ્પ થઈ રહ્યો છે. ગબ્બર પરિક્રમા પથ પર શ્રદ્ધાળુઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે અને આવનારા સમયમાં આ ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ ભાદરવી પૂનમના મેળા જેવું જ વિશાળ અને ભવ્ય સ્વરૂપ ધારણ કરશે.

કાર્યક્રમની શરૂઆતમાં જિલ્લા કલેક્ટરશ્રી મિહિર પટેલે ઉપસ્થિત મહાનુભાવો, સાધુ-સંતો અને માઈભક્તોનું શાબ્દિક સ્વાગત કરતા અંબાજી ધામની પવિત્રતા અને ધાર્મિક મહત્તાનો મહિમા અંગે માહિતી આપી હતી. આ ભવ્ય મહોત્સવમાં મોટી સંખ્યામાં સાધુ-સંતો, પદાધિકારીઓ, અધિકારીશ્રીઓ તથા હજારો શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા, જેના કારણે સમગ્ર અંબાજી ધામ ભક્તિ અને આસ્થાના રંગે રંગાયું છે.

અહેવાલ : પ્રધાનજી ઠાકોર

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here