બનાસકાંઠાના દાંતીવાડા તાલુકાના જીવાદોરી ડેમ ની સિંચાઈ વ્યવસ્થાને લઈને ગંભીર બેદરકારી સામે આવી છે. દાંતીવાડા ડેમમાંથી પસાર થતી મુખ્ય કેનાલમાં 40 મીટરથી પણ મોટું ગાબડું પડતા હજારો હેક્ટર જમીનમાં પાણી પહોંચતું બંધ થઈ ગયું છે. ઉનાળાની સિઝનમાં વાવેતર શરૂ થવાના સમયેજ નહેર તૂટતાં ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે તો બીજી તરફ ડેમ વિસ્તારના આસપાસના ગામડાઓમાં પણ સ્થાનિકો ને ડર સતાવી રહ્યો છે એનું કારણ છે કે ડેમ છલોછલ ભરાયેલો છે મુખ્ય કેનાલ તૂટે ને ત્રણ દિવસ થયા છતાં પણ કેનાલનું પાણી રોકવા તંત્ર અલગ અલગ નુસ્ખા અપનાવી રહ્યું છે પરંતુ કેનાલમાં પાણીના આવરા ના લીધે તમામ નુસ્ખા ફેલ થઈ રહ્યા છે ખેડૂતો તંત્ર પર આક્ષેપ કરી રહ્યા છે કે કેનાલની સફાઈ અને સમારકામ માત્ર કાગળ પર થાય છે.

આ છે દાંતીવાડા ડેમની મુખ્ય સિંચાઈ નહેર… જ્યાં શનિવારે ડેમના દરવાજા નજીક જ મસમોટું ગાબડું પડ્યું હતું. ગાબડું પડતા જ પાણી રોકવાના પ્રયાસો શરૂ કરાયા પરંતુ આજે ત્રીજા દિવસે પણ તંત્ર સંપૂર્ણપણે પાણી બંધ કરવામાં નિષ્ફળ રહ્યું છે માટી નાખીને અને તાત્કાલિક નુસ્ખા અજમાવી પાણી રોકવાનો પ્રયાસ થઈ રહ્યો છે પરંતુ કોઈ અસરકારક પરિણામ મળ્યું નથી. એક બાજુ ડેમ આજુબાજુ વિસ્તારના લોકોને ડર છે તો બીજી તરફ ઉનાળુ વાવેતર શરૂ થવાનું છે. પરંતુ નહેર આધારિત પિયત કરતી હજારો હેક્ટર જમીનમાં પાણી જતું બંધ થઈ ગયું છે. ખેડૂતો કહે છે કે વાવેતર પહેલાં જ પાણી બંધ થતાં હવે પાક વાવવો મુશ્કેલ બની ગયો છે. સમયસર પાણી નહીં મળે તો આખી સીઝન બગડવાની ભીતિ છે. ખેડૂતોના આક્ષેપ છે કે નહેરની ક્યારેય યોગ્ય સફાઈ થતી નથી. દર વર્ષે કરોડોની ગ્રાન્ટ આવે છે પરંતુ કામ ક્યાં થાય છે તે દેખાતું નથી. નહેરની દેખરેખ માટે કાર્યપાલક ઈજનેર હરેશ ચૌધરી સહિત પાંચ નાયબ કાર્યપાલક ઈજનેર અને ખાનગી એજન્સીના માણસો મુકાયા છે. છતાં નહેર પર કોઈ અધિકારી દેખાતો નથી. સ્થાનિક ઓફિસો પર ઘણીવાર તાળા મારેલા જ જોવા મળે છે.
તંત્ર દ્વારા તાત્કાલિક સમારકામના પ્રયાસો ચાલુ છે, પરંતુ 40 મીટરથી વધુના ગાબડાને માત્ર માટી નાખીને બંધ કરવાના પ્રયાસો કેટલા અસરકારક રહેશે તે પ્રશ્ન છે. ખેડૂતોનું કહેવું છે કે આ ગંભીર બેદરકારીના કારણે લોકોના જીવ પણ જોખમમાં મુકાયા હતા. સ્થાનિકો ઉચ્ચ અધિકારીઓ દ્વારા કમિટી બેસાડી તપાસ કરવાની માંગ કરી રહ્યા છે. તેઓનો સવાલ છે કે ડેમ અને મુખ્ય કેનાલની સારસંભાળ માટે સરકાર જે ગ્રાન્ટ ફાળવે છે તે ગ્રાન્ટો ક્યાં વપરાય છે? ભુપેન્દ્ર પટેલની સરકાર ભ્રષ્ટાચાર મુક્ત શાસનની વાત કરે છે ત્યારે દાંતીવાડા ડેમની મુખ્ય કેનાલમાં ભ્રષ્ટાચારના ઉઠેલા આ પ્રશ્નો હવે ચર્ચાનો વિષય બન્યા છે.
પ્રતિનિધિ :દિપક પુરબીયા

