બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર ખાતે આવેલી કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ છે. અજાણ્યા શખ્સ દ્વારા કલેક્ટર કચેરીના સત્તાવાર આઈડી પર ધમકીભર્યો ઈમેલ મોકલવામાં આવ્યો હતો, જેમાં કચેરી પરિસરમાં વિસ્ફોટ કરવાની ચેતવણી આપવામાં આવી હતી. આ ગંભીર બાબતની જાણ થતા જ સુરક્ષાના કારણોસર તાત્કાલિક અસરથી આખી કચેરી ખાલી કરાવી દેવામાં આવી હતી. કલેક્ટર કચેરીમાં હાજર તમામ અધિકારીઓ અને સ્ટાફને સુરક્ષિત રીતે બહાર કાઢીને પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટનાસ્થળે ઉતારી દેવામાં આવ્યો હતો.

ધમકીભર્યા મેસેજને પગલે સમગ્ર કલેક્ટર કચેરી પરિસર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDS) અને ડોગ સ્ક્વોડ દ્વારા કચેરીના ખૂણેખૂણામાં ઝીણવટભર્યું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. બીજી તરફ, સાયબર ક્રાઈમની ટીમ આ ઈમેલ ક્યાંથી આવ્યો અને તેની પાછળ કોનો હાથ છે, તે દિશામાં ટેકનિકલ તપાસ ચલાવી રહી છે. આ ઘટનાને કારણે કચેરીના કામકાજ માટે આવેલા અરજદારોમાં પણ ફફડાટ ફેલાયો હતો. હાલમાં પોલીસ દ્વારા સતર્કતા રાખવામાં આવી રહી છે અને અફવાઓથી બચવા લોકોને અપીલ કરવામાં આવી છે.
