BANASKANTHA : અંબાજીમાં પોલીસની ‘બહાદુરી’ માત્ર બોર્ડર સુધી જ? ગામમાં બુટલેગરોની હોમ ડિલિવરી સામે ખાખી મૌન!

0
11
meetarticle

બ્યુરો રિપોર્ટ: પાક્કો ગુજરાત (અંબાજી)
યાત્રાધામ અંબાજીમાં દારૂબંધીના નામે જાણે મજાક ચાલી રહી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. એક તરફ અંબાજી પોલીસ લાખોનો વિદેશી દારૂ પકડીને પોતાની પીઠ થપથપાવી રહી છે, તો બીજી તરફ ખુદ અંબાજીના ગલી-મહોલ્લાઓમાં બુટલેગરો પોલીસને પડકાર ફેંકીને એક્ટિવા પર ‘હોમ ડિલિવરી’ કરી રહ્યા છે. શું આ પોલીસની નજરચૂક છે કે પછી મિલીભગત?


બોર્ડર પર કડકાઈ, પણ ગામમાં છૂટછાટ!
અંબાજી પોલીસ દ્વારા તાજેતરમાં 5 લાખથી વધુનો વિદેશી દારૂ પકડીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આ કાર્યવાહી જોઈને એવું લાગે કે જાણે પોલીસ બહાદુરી બતાવી રહી છે. પરંતુ સિક્કાની બીજી બાજુ અત્યંત વરવી છે. યાત્રાધામમાં ભક્તોની ભીડ વચ્ચે સ્થાનિક બુટલેગરોએ પોતાના અડ્ડાઓ ધમધમતા રાખ્યા છે.
એક્ટિવા પર ‘હોમ ડિલિવરી’ અને પોલીસ લાચાર?
અંબાજીના અનેક વિસ્તારોમાં બુટલેગરો હવે બેફામ બન્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, માથાભારે બુટલેગરો પોલીસના ડર વગર એક્ટિવા જેવા વાહનો પર દારૂની હોમ ડિલિવરી કરી રહ્યા છે. જ્યારે બનાસકાંઠા એસપી દ્વારા દારૂબંધીના કડક અમલની સૂચનાઓ છે, ત્યારે અંબાજી પોલીસને ગામની અંદર ચાલતા આ અડ્ડાઓ કેમ દેખાતા નથી? તે સૌથી મોટો સવાલ છે.
ગૃહમંત્રી સુધી પહોંચી ફરિયાદ, છતાં બુટલેગરો બેફામ!
આશ્ચર્યની વાત તો એ છે કે આ બુટલેગરોના ત્રાસ અને ગેરકાયદે પ્રવૃત્તિઓ અંગે રાજ્યના ગૃહમંત્રી સુધી પણ રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં, અંબાજીમાં બુટલેગરો પોલીસને પડકાર ફેંકી રહ્યા છે. શું આ બુટલેગરોને કોઈનો આશીર્વાદ છે? કે પછી પોલીસ માત્ર બહારથી આવતા દારૂ પર કાર્યવાહી કરીને ‘ટાર્ગેટ’ પૂરો કરી રહી છે?
સવાલ જનતાનો… જવાબ કોણ આપશે?

  1. બહારથી આવતી ગાડીઓ પકડાય છે, તો ગામમાં ફરતી ‘દારૂવાળી એક્ટિવા’ કેમ નથી પકડાતી?
  2. શક્તિપીઠની પવિત્રતા જાળવવામાં પોલીસ કેમ ઉણી ઉતરી રહી છે?
  3. શું એસપીની સૂચનાઓનો અમલ માત્ર કાગળ પર જ છે?
    અંબાજીની જનતા હવે ઈચ્છી રહી છે કે પોલીસ માત્ર દેખાડાની બહાદુરી છોડીને, ખરેખર જે અડ્ડાઓ અને ડિલિવરી નેટવર્ક ચાલે છે તેના પર ‘સર્જિકલ સ્ટ્રાઈક’ કરે.
meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here