અમદાવાદ જય ભોલે ગ્રુપ દ્વારા શ્રી આરાસુરી અંબાજી માતાજીને ભવ્ય સુવર્ણ મુગુટની ભેટ અર્પણ કરાઈ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષશ્રી મિહિર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં જય ભોલે ગ્રુપના પ્રતિનિધિ દીપેશભાઈ પટેલ દ્વારા મંદિર ટ્રસ્ટને આ ભવ્ય સુવર્ણ મુગુટ ભેટ સ્વરૂપે અર્પણ કરવામાં આવ્યો હતો યાત્રાધામ અંબાજી કરોડો માઈ ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે તથા ૫૧ શક્તિપીઠોમાં હૃદયસ્થ શક્તિપીઠ તરીકે વિશેષ મહત્તા ધરાવે છે. અંબાજી મંદિરના ભટ્ટજી મહારાજના માર્ગદર્શન હેઠળ માતાજીના શૃંગાર માટે શાસ્ત્રોક્ત અને વેદોક્ત વિધિ અનુસાર સુવર્ણજડિત મુગુટના નિર્માણ માટે વિગતવાર અભ્યાસ કરવામાં આવ્યો હતો.

શારદાપીઠ, શૃંગેરી મઠના પૂજ્ય શંકરાચાર્ય વિધુશેખર ભારતી મહાસ્વામીજીના આશીર્વાદ તથા માર્ગદર્શન હેઠળ શ્રીવિદ્યામાં વર્ણિત સૂર્ય તથા તેના ૨૦ કિરણો, અષ્ટમનો ચંદ્ર, મોરપીંછ, સહસ્ત્ર કમળ, ૧૬ નિત્યા, સપ્ત માતૃકા તથા ૧૦ મહાવીદ્યાના સંકેતો દર્શાવતા રત્નોજડિત સુવર્ણ મુગુટનું નિર્માણ કરવામાં આવ્યું છે. શંકરાચાર્યના આશીર્વાદ પ્રાપ્ત કર્યા બાદ આ મુગુટ આજ રોજ માતાજીને અર્પણ કરવામાં આવ્યો હતો અંબાજી મંદિર ખાતે આવતીકાલે મા જગદંબાના પ્રાગટ્યોત્સવની ભવ્ય અને ધામધૂમથી ઉજવણી યોજાનાર છે.

અંબાજી મંદિરના ભટ્ટજી મહારાજની પ્રેરણાથી જય ભોલે ગ્રુપ, અમદાવાદ દ્વારા માતાજી માટે આ સુવર્ણ અને રત્નજડિત મુગુટ બનાવવાનો સંકલ્પ લેવાયો હતો, જેને પૂર્ણ કરવામાં અંદાજે ત્રણ માસનો સમય લાગ્યો હતો. પ્રાચીન મીના કારીગરી તથા વિશિષ્ટ રત્નોના ઉપયોગથી તૈયાર થયેલ આ દિવ્ય અને ભવ્ય મુગુટ માતાજીના આશીર્વાદથી ભક્તિ ભાવપૂર્વક અર્પણ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી એમ.જે.દવે, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુમ્બેની વિશેષ ઉપસ્થિત રહી હતી. અંબાજી મંદિર ટ્રસ્ટના વહીવટદાર તથા અધિક કલેક્ટર કૌશિક મોદીએ જય ભોલે ગ્રુપનો આભાર વ્યક્ત કર્યો હતો
પ્રતિનિધિ…લક્ષમણ ઝાલા,બનાસકાંઠા… અંબાજી

