બનાસકાંઠા જિલ્લામાં તાજેતરમાં થયેલા ભારે વરસાદ તથા ઉપરવાસ વિસ્તારમાં પડેલા વરસાદને કારણે દાંતીવાડા ડેમમાં પાણીનો સંગ્રહ નોંધપાત્ર પ્રમાણમાં વધ્યો છે. હાલ દાંતીવાડા ડેમ તેની કુલ ક્ષમતાના આશરે ૯૩ ટકા જેટલો ભરાયો છે. ડેમનું રૂલ લેવલ ૬૦૨ ફૂટ છે. હાલના પાણીનું સ્તર ૬૦૧.૫૫ ફૂટ નોંધાયું છે.

જિલ્લા કલેક્ટર મિહિર પટેલે દાંતીવાડા ડેમ માં પાણી ભરાવા અંગે જણાવ્યું કે ડેમમાં વિપુલ પ્રમાણમાં પાણીનો જથ્થો ઉપલબ્ધ બનતાં આગામી સમયમાં ડેમના કમાન્ડ વિસ્તારમાં સિંચાઈનો લાભ મળશે. ડેમના કમાન્ડ વિસ્તારમાં પાલનપુર, ડીસા, દાંતીવાડા અને કાંકરેજ તાલુકાના આશરે ૨૬,૦૦૦ હેક્ટર વિસ્તારનો સમાવેશ થાય છે. જેના કારણે આગામી શિયાળુ તેમજ ઉનાળુ સિઝનમાં ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી ઉપલબ્ધ રહેશે અને પાણીની તંગી નહી રહે. આથી ખેડૂતો માટે આ પાણી આશીર્વાદરૂપ સાબિત થશે.
પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જો પાણી છોડવાની જરૂરિયાત ઉભી થશે તો ડેમના દરવાજા નિયમ મુજબ ખોલવામાં આવશે. આ અંગે પૂર્વ સૂચના જાહેર જનતા તથા સંબંધિત વિભાગોને આપવામાં આવશે જેથી લોકો સમયસર સચેત રહી શકે.
જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ડેમની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂરી તમામ પગલાં સમયસર હાથ ધરવામાં આવશે.
પ્રતિનિધિ : દિપક પુરબીયા

