બનાસકાંઠા જિલ્લાના સુઇગામ નજીક આવેલા દૂધવા ગામે સામાજિક બાબતને લઈને બે જૂથો વચ્ચે અથડામણની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, તીર્થ ગામના 40થી 50 જેટલા લોકોનું ટોળું દૂધવા ગામમાં ઘૂસી આવ્યું હતું અને એક પરિવાર પર હુમલો કર્યો હતો.

હુમલા પાછળનું કારણ સામાજિક બાબત હોવાનું સામે આવ્યું છે. હુમલાખોરોએ ધોકા તેમજ ગળદા-પાટુ વડે પરિવારના સભ્યોને માર માર્યો હતો. એટલું જ નહીં, હુમલો કરનાર ટોળાંએ પરિવારની યુવતીને ઉપાડી જવાની પણ ધમકી આપી હોવાનું જાણવા મળ્યું છે. હુમલા સમયે 40થી 50 લોકોનું ટોળું નશાની હાલતમાં હોવાનું પણ કહેવાય છે.આ અથડામણ અને હુમલામાં ઇજાગ્રસ્ત થયેલા પરિવારના સભ્યોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને બનાવ અંગે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે હુમલો કરનાર ટોળાંને ઝડપી પાડવા માટે કાર્યવાહી શરૂ કરી દીધી છે.

