સંસ્કારી નગરી વડોદરામાં રમત જગતને શરમાવે તેવી એક ઘટના પ્રકાશમાં આવી છે. ભારતીય ટીમના પૂર્વ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર જેકોબ માર્ટિને દારૂના નશામાં ધુત થઈ પોતાની એમ.જી. હેક્ટર કાર બેફામ હંકારી અકોટા વિસ્તારમાં ભારે આતંક મચાવ્યો હતો. મોડી રાત્રે સર્જાયેલા આ અકસ્માતમાં રસ્તાની સાઈડમાં પાર્ક કરેલી ત્રણ લક્ઝરી કારોના કચ્ચરઘાણ નીકળી ગયા હતા. પોલીસે ક્રિકેટરની ધરપકડ કરી તેની ₹૨૦ લાખની કાર જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની વિગતો મુજબ, મોડી રાત્રે ૨:૩૦ વાગ્યાના અરસામાં જેકોબ માર્ટિન અકોટાની પુનિત નગર સોસાયટી પાસેથી પસાર થઈ રહ્યો હતો. નશો એટલો તીવ્ર હતો કે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા તેની કારે લાઈનમાં પાર્ક કરેલી કિયા સેલ્ટોસ, હ્યુન્ડાઇ વેન્યુ અને મારૂતી સેલેરીઓને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતનો પ્રચંડ અવાજ સાંભળી સ્થાનિકો દોડી આવ્યા હતા અને ૧૧૨ જન રક્ષક સહિત અકોટા પોલીસને જાણ કરી હતી. પોલીસ જ્યારે ઘટનાસ્થળે પહોંચી ત્યારે પૂર્વ ક્રિકેટર લથડિયાં ખાઈ રહ્યો હતો અને શ્વાસમાં દારૂની તીવ્ર ગંધ આવતી હતી.અકોટા પોલીસે આ મામલે કડક વલણ અખત્યાર કરીને જેકોબ માર્ટિન વિરુદ્ધ ડ્રિંક એન્ડ ડ્રાઈવ, પ્રોહિબિશન એક્ટ અને અકસ્માત સર્જવા બદલ BNS તેમજ મોટર વાહન અધિનિયમની વિવિધ કલમો હેઠળ બે અલગ-અલગ ગુના નોંધ્યા છે. દેશ માટે પ્રતિનિધિત્વ કરી ચૂકેલા ખેલાડીની આ હરકતથી રમતપ્રેમીઓમાં રોષ અને આઘાતની લાગણી જોવા મળી રહી છે. હાલમાં પોલીસ અકસ્માત સમયના સીસીટીવી ફૂટેજ મેળવી વધુ તપાસ ચલાવી રહી છે.
