ગોલ્ડન ચોકડી વજન કાંટા પાસે પાર્ક કરેલા ટુ વ્હિલરની ડીકીનું લોક તોડી તેમાં મૂકેલા રોકડા બે લાખ લઇને આરોપી ફરાર થઇ ગયો હતો. જે અંગે હરણી પોલીસે તપાસ હાથ ધરી છે.નિઝામપુરા ઘેલાણી પેટ્રોલ પંપની પાછળ મહાકાળી ચોકમાં રહેતો જુનેદ ઇવેન્ટનું કામ કરે છે. હરણી પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત 3 જી તારીખે મારે ફરાસખાનાનો સામાન લેવાનો હોઇ મારા ઘરેથી પપ્પાનો ચેક લઇને નિઝામપુરાની યુનિયન બેંકમાં ગયો હતો. ચેકથી દોઢ લાખ ઉપાડીને હું ઘરે ગયો હતો. ઘરેથી બીજા 50 હજાર લઇને કુલ બે લાખ લઇને હું નિઝામપુરા ચાર રસ્તા નજીક જીગભાવ કોમ્પલેક્સ બોઇઝોન ઇવેન્ટની ઓફિસે ગયો હતો.

હું ઓફિસથી મારા કાકાનું ટુ વ્હિલર લઇને ડીકીમાં રૃપિયા મૂકી ગોલ્ડન ચોકડીમાં પાર્ટી પ્લોટની બાજુમાં સુપ્રિમ કાંટા ખાતે અમારો સામાન ભરવા માટે ખાલી ટેમ્પાનું વજન કરાવવા ગયો હતો. મેં ટુ વ્હિલર થોડું દૂર પાર્ક કર્યુ હતું. વજન કરાવી હું ટુ વ્હિલરની ડીકીમાંથી પૈસા લેવા આવ્યો ત્યારે ડીકીમાં મૂકેલા બે લાખ નહતા. મેં તથા મારા સ્ટાફના મિત્ર ભવાનસિંહે આજુબાજુ તપાસ કરી હતી. પરંતુ, પૈસા મળ્યા નહતા. પૈસા મળી જશે, તેવી આશાથી મેં તે સમયે ફરિયાદ કરાવી નહતી. પરંતુ, પૈસા નહીં મળતા આજે હું ફરિયાદ કરવા આવ્યો છું.

