અમદાવાદ જિલ્લામાં રાતથી શરૂ થયેલા ભારે વરસાદને કારણે બાવળા શહેર પાણીમાં ગરકાવ થઈ ગયું છે. ‘શહેરમાં પાણી કે પાણીમાં શહેર?’ એવી સ્થિતિનું નિર્માણ થયું છે, જ્યાં રસ્તાઓ નદીઓમાં ફેરવાઈ ગયા છે અને જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે.
સોસાયટીઓમાં વરસાદી પાણી ઘૂસ્યા
શહેરમાં પડેલા ધોધમાર વરસાદથી પક્ષીભુવન, પારસમણી, પારસમણી સોસાયટીથી એસ.એમ. પટેલ રોડ, ગર્લ્સ સ્કૂલ રોડ, આસોપાલવ, બદ્રીનાથ, ભરવાડ વાસ, સંત આશ્રમ, જાપલી ખાંડ, બાવળા ગેટ, આનંદ બાગ, ધોળકા રોડ સ્વામિનારાયણ મંદિરથી રઘુવીર સોસાયટી સુધી, રત્નદીપ સોસાયટી, સ્વાગત રેસીડેન્સી, બળિયાદેવ અને અનુસૂચિત વિસ્તાર સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.
લોકો ઘરોની અંદર પૂરાયા, અનેકના વાહનો બંધ
રસ્તાઓ પર પાણી ફરી વળતા અનેક વાહનો બંધ પડી ગયા છે, જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. આ ઉપરાંત, અનેક મકાનો અને દુકાનોમાં પણ વરસાદી પાણી ઘૂસી જતાં સ્થાનિક રહીશોની મુશ્કેલીમાં વધારો થયો છે. પાણી ભરાયેલા વિસ્તારોમાં જાણે કરફ્યુ જેવો માહોલ જોવા મળી રહ્યો છે, જ્યાં લોકો ઘરની બહાર નીકળી શકતા નથી. આ પરિસ્થિતિને કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને તંત્ર તાત્કાલિક કોઈ પગલાં ભરે તેવી આશા રાખવામાં આવી રહી છે.


