સ્તનપાન માત્ર બાળક માટે જ નહી પણ માતા માટે પણ લાભદાયી હોય છે.યુનિવર્સિટી ઓફ ઓક્સફોર્ડના એક સંશોધન અનુસાર દૂધ પીવડાવતી મોટાભાગની મહિલાઓમાં હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ 10 ગણુ ઓછું થાય છે.સ્તનપાન શિશુના જન્મ પછી થતી લોહીની ઉણપને ઓછી કરે છે. પ્રસૂતિ દરમિયાન પ્રસુતાઓના સૌથી વધુ મોત વધુ રક્તસ્ત્રાવના કારણે થાય છે, જેને તબીબી ભાષામાં ‘પોસ્ટમોર્ટમ હેમરેજ’ કહે છે. જો પ્રસૂતિ પછી તરત માતા સ્તનપાન કરાવે તો ઓક્સિટોસિન નામનું હોર્મોન રિલીઝ થાય છે, જેનાથી મહિલાનું ગર્ભાશય સંકોચાય છે. તેનાથી પ્રસવ પછી વધુ પડતા રક્તસ્ત્રાવની આશંકા ખૂબ ઓછી થઈ જાય છે.ગર્ભાશયને તેના પૂર્વ આકારમાં આવવામાં મદદ કરે છે.
ભવિષ્યમાં ગર્ભાશય કેન્સર, સ્તન કેન્સર તથા અંડાશયના કેન્સરના જોખમને ઘટાડે છે.
કુદરતી રીતે ફરીવાર ગર્ભધારણ ટાળવામાં મદદ મળે છે. જો માતા શિશુને નિયમિત રીતે સ્તનપાન કરાવે તો છ મહિના સુધી ગર્ભધારણ થઈ શકતું નથી. સ્તનપાન કરાવવાથી મહિલાના શરીરમાંથી પ્રોલેક્ટિન હોર્મોન રિલીઝ થતુ રહે છે જેનાથી સ્વાભાવિક રીતે મહિલાને છ મહિના સુધી ગર્ભધારણ થતું નથી.
સ્તનપાન કરાવવાથી માતા અને બાળક બંનેની તબીબી દેખરેખનો ખર્ચ ઓછો થાય છે કેમકે તેઓ ઓછા બીમાર પડે છે. માતાનું દૂધ સરળતાથી અને કોઈ ખર્ચ વિના ઉપલબ્ધ હોય છે. જ્યારે પેકિંગનું દૂધ ખરીદવું પડે છે.
સ્તનપાનના વિષયમાં કેટલીક મહત્ત્વપૂર્ણ વાતો બાળકને સ્તનપાન ક્યાં સુધી કરાવવું, ઘણીવાર મહિલાઓને એ વાતનો ખ્યાલ હોતો નથી. જન્મ પછી તરત જ સ્તનપાન કરાવવાનું શરૂ કરી દેવું જોઈએ. એ સમયે બાળક સ્તનપાન કરતા સૌથી ઝડપથી શીખી શકે છે તથા તેને માતાનું પ્રથમ દૂધ એટલે કે કોલેસ્ટ્રમનો પૂરેપૂરો લાભ મળી શકે છે. બાળકને જન્મ બાદ ઓછામાં ઓછા છ મહિના સુધી સ્તનપાન કરાવતા રહેવું જોઈએ. જો શક્ય હોય તો બે વર્ષ સુધી માતાનું દૂધ પીવડાવવું જોઈએ પણ સાથે પૌષ્ટિક આહાર પણ આપવો જોઈએ.
અનેકવાર સ્તનોમાં દૂધ ભરાવાથી તે કઠણ થઈ જાય છે. એવું ન બને એ માટે બાળકને જલદી અને પુરેપુરું દૂધ પીવડાવવું જોઈએ. જો તેમ છતાં આવું બને તો વધારાના દૂધને કાઢીને તમે સુરક્ષિત રાખી શકો છો.
સામાન્ય તાપમાનમાં આ દૂધને ચાર થી છ કલાક સુધી રાખી શકો છો તથા ફ્રિજના ફ્રિજર કમ્પાર્ટમેન્ટમાં તેને પાંચ દિવસ સુધી રાખી શકો છો પરંતુ તેને ૩ દિવસ દરમિયાન વાપરી લેવુ એ હિતાવહ છે. બાળકને સ્તનપાન ‘ડિમાન્ડ ફીડ'(જ્યારે બાળક ને ભૂખ લાગે ત્યારે)પર જ કરાવવું જોઈએ. બંને સ્તનમાંથી ઓછામાં ઓછું 10થી 15 મિનિટ સુધી દૂધ પીવડાવવું જોઈએ.




