રાજપીપલાની શ્રી અંબુભાઈ પુરાણી હાઈસ્કૂલ ખાતે ૫મી સપ્ટેમ્બરના રોજ ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસ નિમિત્તે, નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખના અધ્યક્ષસ્થાને જિલ્લા તથા તાલુકા સ્તરે શ્રેષ્ઠ શિક્ષકોને પારિતોષિક વિતરણ તેમજ નિવૃત્ત શિક્ષકોના સન્માનનો કાર્યક્રમ યોજાયો હતો.
આ અવસરે, દેડિયાપાડા તાલુકાની પ્રાથમિક શાળા પાનખલા (મ.શિ.) ના શિક્ષક મનહરભાઈ બારીયા તથા સરકારી માધ્યમિક શાળા ઉમરાણના શિક્ષક સુમિતકુમાર ચૌધરીને શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન બદલ જિલ્લાકક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે એવોર્ડ-પ્રશસ્તિપત્ર, શાળ ઓઢાડીને સન્માનિત કરવામાં આવ્યા હતાં. સાથે જ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પ્રશસ્તિપત્ર આપી અને વયનિવૃત્ત થયેલા આચાર્યો તથા શિક્ષકોનું પણ ગૌરવભેર સન્માન કરાયું હતું.
આ સન્માન સમારોહ શિક્ષણક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનારા શિક્ષકો તેમજ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ માટે પ્રેરણાસ્ત્રોત બન્યો હતો. કાર્યક્રમ દરમિયાન વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ સ્વાગત ગીત તથા નૃત્યપ્રસ્તુતિઓ દ્વારા મહાનુભાવોનું સ્વાગત કરાયું હતું.
આ તકે, જિલ્લા શિક્ષણાધિકારી ડો. કિરણબેન પટેલે સ્વાગત પ્રવચન અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નિશાંત દવેએ આભારદર્શન કર્યા હતા. કાર્યક્રમાં આચાર્ય સંઘના પ્રમુખનિલેશભાઈ વસાવા, મંજુલાબેન ચૌધરી સહિત જિલ્લાના વિવિધ શાળાઓના આચાર્યો,શિક્ષકો, નિવૃત્ત શિક્ષકો, શિક્ષણ વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.
REPOTER :દીપક જગતાપ, રાજપીપલા




