BANASKATHA : ૧ થી ૭ સપ્ટેમ્બર ભાદરવી પૂનમ મહામેળો યોજાશે

0
79
meetarticle

શક્તિ ભક્તિ અને શ્રદ્ધાનું સર્વોચ્ચ શિખર એટલે યાત્રાધામ અંબાજી. માતાજીનું હૃદય અહીં બિરાજમાન હોવાથી શ્રધ્ધાળુઓ આ શક્તિપીઠમાં વિશેષ આસ્થા ધરાવે છે. દેવી ભાગવત પુરાણમાં પણ શક્તિપીઠ અંબાજીનો મહિમા વર્ણવાયેલો જોવા મળે છે. આગામી ૧ થી ૭ સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમે અહીં મોટો મેળો ભરાશે ત્યારે આવો જાણીએ શક્તિપીઠ અંબાજીનો મહિમા..

યાત્રાધામ અંબાજીમાં યોજાતા ભાદરવી પૂનમના મહામેળામાં હૈયાથી હૈયુ દળાય એવો માનવ મહેરામણ ઉમટશે. ભારત ભરમાંથી માઈ ભક્તોનું ઘોડાપૂર મેળામાં ઉમટે છે. શ્રદ્ધા વિશ્વાસ અને ભક્તિના ત્રિવેણી સંગમ સમા આ શક્તિપીઠમાં માતાજીનું હૃદય બિરાજમાન હોવાની માન્યતાને લીધે જ શ્રધ્ધાળુઓમાં અંબાજી શક્તિપીઠનું વિશેષ મહત્વ છે.

મા અંબેના પ્રાગટ્યની મૂળ કથા પુરાણ ઉપર આધારીત એક કથા મુજબ પ્રજાપિતા દક્ષે બૃહસ્પતિ સક નામના મહાયજ્ઞનું આયોજન કર્યુ હતું. જેમાં દક્ષે બધા દેવોને નિમંત્રણ આપ્યુ હતું. પરંતુ પોતાના જમાઇ શંકર ભગવાનને બોલાવ્યા ન હતાં. પિતાને ત્યાં યજ્ઞ છે તેવા સમાચાર સાંભળીને ભગવાન શંકરની સમંતિ ન હોવા છતાં દેવી સતિ પિતાના ઘેર પહોંચી ગયાં. ત્યાં યોજાયેલા યજ્ઞમાં ભગવાન શિવને આમંત્રણ ન જોતાં અને પિતા દક્ષના મોઢે પતિની નિંદા સાંભળતા દેવી સતીએ યજ્ઞ કુંડમાં પડી પોતાનો પ્રાણ ત્યજી દીધો.

ભગવાન શિવજીએ દેવી સતીના નિશ્વેતન દેહને જોઇને તાંડવ આદર્યુ અને દેવી સતીના દેહને ખભે ઉપાડી ત્રણેય લોકમાં ઘુમવા માંડ્યાં. ત્યારે આખીયે સૃષ્ટિનો ધ્વંસ થઇ જશે તેવા ડરથી ભગવાન વિષ્ણુએ પોતાનું ચક્ર છોડીને દેવી સતીના શરીરના ટુકડા કર્યા. જે પૃથ્વી પર જુદી જુદી જગ્યાએ જ્યાં જ્યાં પડ્યા ત્યાં ત્યાં શક્તિ પીઠોનું નિર્માણ થયું. આવા 51 શક્તિપીઠોમાં અંબાજી શક્તિપીઠનું અનોખું અને અલગ મહાત્મ્ય હોવાથી માઇ ભક્તોમાં મા અંબેનું ધામ અંબાજી પ્રત્યે વિશેષ શ્રદ્ધા આસ્થા રહેલી છે.

દેવી ભાગવતની દંતકથા અનુસાર પૌરાણિક સમયમાં મહિષાસુર નામે સમગ્ર બ્રહ્માંડ માટે ખતરનાક રાક્ષસ હતો. તેથી ત્રિદેવ બ્રહ્મા- વિષ્ણુ- મહેશના નેતૃત્વમાં તમામ દેવતાઓ આખરે બ્રહ્માંડની સર્વોચ્ચ શક્તિ મહાદેવી આદ્યશક્તિના અંતિમ આશ્રયે ગયાં. જ્યાં બચાવ અને મદદ માટે તેમની પૂજા કરી. જેથી આદ્ય દેવી શક્તિ સૂર્યના કિરણોના તેજસ્વી વર્તુળથી ઘેરાયેલા શસ્ત્રો સાથે પૃથ્વી પર અવતર્યા અને દેવીએ તેમની પવિત્ર તલવારથી મહિષાસુર રાક્ષસને મારી નાખ્યો અને ત્યારથી તેઓ વિશ્વમાં મહિસાસુર મર્દિની તરીકે પ્રખ્યાત થઇ ગયાં.

રામાયણમાં કહેલી દંતકથા અનુસાર ભગવાન શ્રીરામ અને લક્ષ્મણ સીતાજીની શોધમાં શ્રૃંગી ઋષિના આશ્રમમાં આવ્યાં. જ્યાં તેમને ગબ્બર ઉપર દેવી અંબાજીની પૂજા કરવાનું કહેવામાં આવ્યું. ભગવાન શ્રીરામે તે મુજબ કર્યું અને જગત માતા શક્તિ દેવી અંબાજીએ તેમને અજય બાણ નામનું ચમત્કારિક તીર આપ્યું. જેની મદદથી ભગવાન શ્રીરામે યુદ્ધમાં તેમના દુશ્મન રાવણ પર વિજય મેળવ્યો અને તેને મારી નાખ્યો.

શ્રીકૃષ્ણની ચૌલ ક્રિયા

એવી પણ એક દંતકથા છે કે દ્વાપર યુગના સમયગાળા દરમિયાન ભગવાન કૃષ્ણના વાળ પણ અહીં આ ગબ્બર ટેકરી પર કાઢવાની ક્રિયા જેને ચૌલ ક્રિયા કહેવાય છે પણ કરવામાં આવ્યા હતાં. તેમના પાલક માતાપિતા નંદ અને યશોદાએ પણ દેવી અંબાજી અને ભગવાન શિવની પૂજા કરી હતી. મેવાડના જાણીતા રાજપૂત રાજા મહારાણા પ્રતાપ આરાસુરી અંબા ભવાનીના સાચા ભક્ત હતાં. તેમને એકવાર માતા અંબાજીએ બચાવ્યા હતાં. તેથી તેમણે તેમની પ્રખ્યાત તલવાર માતા આરાસુરી અંબાજીના પવિત્ર ચરણોમાં ભેટ સ્વરૂપે અર્પણ કરી હતી.

દર વર્ષે અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મેળો યોજાય છે. યાત્રાધામ સાથે પૌરાણિક અને ઐતિહાસિક અનેક માન્યતાઓ અને દંતકથાઓ જોડાયેલી છે. જેમાં શ્રદ્ધાળુઓને સંપૂર્ણ વિશ્વાસ હોઈ દર વર્ષે ભાદરવી પૂનમના મેળામાં લાખોની સંખ્યામાં માઇભક્તો પદયાત્રા કરી મા અંબાના દર્શનાર્થે ઉમટે છે અને ધન્યતા અનુભવે છે.

મા અંબા ભાવિક શ્રદ્ધાળુઓની મનોકામના પૂર્ણ કરતા હોવાની શ્રદ્ધાળુઓની માન્યતાને પગલે દર વર્ષે મેળામાં યાત્રિકો દર્શનાર્થીઓની સંખ્યામાં સતત વધારો થતો જોવા મળે છે. રાજ્ય સરકાર, શ્રી પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને જિલ્લા વહીવટીતંત્ર તથા સેવાભાવી સંસ્થાઓના સંયુક્ત પ્રયાસથી લાખો માઇભકતો માટે મેળામાં રહેવા, જમવા , સુવા અને દર્શનની વિશેષ સગવડો ઉપલબ્ધ કરવામાં આવે છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here