ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકા મથકે ટ્રાફિકની ગંભીર સમસ્યાના ઉકેલ માટે નેશનલ હાઈવે ઓથોરિટી અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મુખ્ય માર્ગ પર નડતરરૂપ એવા કુલ 68 ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. ખાસ કરીને અંકલેશ્વરના પુન ગામ નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વેની કનેક્ટિવિટી મળ્યા બાદ સુરત તરફ જતા વાહનોનું ભારણ વધતા, અકસ્માત નિવારવા અને માર્ગને વધુ સુગમ બનાવવા તંત્ર દ્વારા આ આકરી કાર્યવાહી કરવામાં આવી છે.

જોકે, ડિમોલિશન દરમિયાન સ્થાનિક વેપારીઓ અને દુકાનદારોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. તંત્ર પર પક્ષપાત અને ભેદભાવના આક્ષેપ કરતા સ્થાનિકોએ જણાવ્યું હતું કે, અમુક ચોક્કસ દબાણોને યથાવત રાખીને અન્યો સામે કાર્યવાહી કરવામાં આવી છે. વેપારીઓના વિરોધ અને હોબાળા છતાં તંત્રએ પોતાની કામગીરી ચાલુ રાખી માર્ગ ખુલ્લો કર્યો હતો. એક્સપ્રેસ-વેના કારણે અતિવ્યસ્ત બનેલા આ ટાઉન વિસ્તારમાં દબાણો દૂર થવાથી હવે વાહન વ્યવહાર વધુ સરળ બનશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.

