ઉતરાયણ પર્વના ઉલ્લાસ વચ્ચે ભરૂચમાં સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા માનવતાની મહેક ફેલાવતો અનોખો ‘અંગદાન જાગૃતિ પતંગોત્સવ’ પ્રાર્થના સ્કૂલ ખાતે યોજાયો હતો. રક્તદાન, નેત્રદાન, દેહદાન અને અંગદાન જેવી પુણ્ય પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા માટે આયોજિત આ કાર્યક્રમમાં અત્યાર સુધી દેહદાન અને અંગદાન કરી અન્યોને નવજીવન આપનાર પરિવારોનું ભાવભીનું સન્માન કરવામાં આવ્યું હતું.

સંકલ્પ ફાઉન્ડેશને જિલ્લામાં અત્યાર સુધી 1225 ચક્ષુદાન, 20 દેહદાન અને 20 અંગદાન કરાવી સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. પ્રાર્થના સ્કૂલના પટાંગણમાં વિદ્યાર્થીઓએ પતંગો પર અંગદાન અને રક્તદાનના સૂત્રો લખી આકાશમાં જનજાગૃતિનો સંદેશ વહેતો કર્યો હતો. કાર્યક્રમમાં ડો. જીગ્નેશ પટેલ, ડો. આત્મી ડેલીવાલા અને યોગેશ જોશી સહિતના મહાનુભાવોએ હાજર રહી સંસ્થાના સ્થાપક સંજય તલાટી અને તેમની ટીમની કામગીરીને બિરદાવી હતી. અગ્રણીઓએ ભાર મૂક્યો હતો કે, પર્વની ઉજવણી સાથે અંગદાન જેવો સંકલ્પ લેવો એ જ સમાજનું સૌથી મોટું સામાજિક ઉત્તરદાયિત્વ છે. આ કાર્યક્રમમાં ભરૂચના વિવિધ સામાજિક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા.
