ભરૂચ જિલ્લાની તમામ વિધાનસભા બેઠકો પરથી મતદારોના નામ ખોટી રીતે દૂર કરવામાં આવ્યા હોવાના ગંભીર આક્ષેપ સાથે જિલ્લા કોંગ્રેસ સમિતિ આક્રમક મૂડમાં જોવા મળી છે. આ મુદ્દે વડાપ્રધાનના પ્રદેશ એવા ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા શરૂ કરાયેલા રાષ્ટ્રવ્યાપી અભિયાન “વોટ ચોર, ગદ્દી છોડ” અંતર્ગત ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પૂર્વ ધારાસભ્ય અને નિરીક્ષક ગ્યાસુદ્દીન શેખની અધ્યક્ષતામાં એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. જેમાં સત્તાધારી પક્ષ ભાજપ પર ‘લોકશાહીની હત્યા’ કરવાનું કાવતરું ઘડવાનો આક્ષેપ કરી આગામી રણનીતિ સ્પષ્ટ કરવામાં આવી હતી.

બેઠક દરમિયાન ગ્યાસુદ્દીન શેખે આકરા શબ્દોમાં જણાવ્યું હતું કે, SIR ની કામગીરીની આડમાં ફોર્મ નંબર-૦૭નો દુરુપયોગ કરી હજારો યોગ્ય મતદારોના નામ યાદીમાંથી કમી કરી દેવાયા છે. તેમણે આને ભાજપનું પૂર્વનિયોજિત કાવતરું ગણાવતા ઉમેર્યું કે, આ અન્યાય સામે જિલ્લા કલેક્ટરને ધારદાર રજૂઆત કરવામાં આવશે અને જરૂર પડ્યે હાઈકોર્ટના દ્વાર ખખડાવતા પણ કોંગ્રેસ ખચકાશે નહીં. તેમણે મતદારોને અપીલ કરી હતી કે, કોઈ પણ ડર રાખ્યા વિના પુરાવા સાથે બી.એલ.ઓ. સમક્ષ પોતાના હકની રજૂઆત કરે.
આ બેઠકમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, શહેર પ્રમુખ સલીમ અમદાવાદી અને પ્રવક્તા નાઝુ ફડવાલા સહિતના આગેવાનોએ હાજરી આપી કાર્યકરોને આક્રમક લડત માટે સજ્જ કર્યા હતા. મતદાર યાદીના આ વિવાદે ભરૂચના રાજકીય આલમમાં ગરમાવો લાવી દીધો છે અને આગામી દિવસોમાં આ મુદ્દે મોટા આંદોલનના એંધાણ વર્તાઈ રહ્યા છે.
