ભરૂચ શહેરના નાગરિકો અને વાહનચાલકો માટે અગત્યના સમાચાર છે. સરદાર સરોવર નર્મદા નિગમ આધારિત પાણી યોજના હેઠળ પાઇપલાઇન નાખવાની કામગીરીને પગલે માતરિયા તળાવથી શ્રવણ ચોકડી સુધીનો માર્ગ 24મી તારીખ સુધી બંધ રાખવામાં આવ્યો છે. તંત્ર દ્વારા આ અંગેનું જાહેરનામું બહાર પાડી દેવાયું છે.
વાહન વ્યવહાર અને ડાયવર્ઝન
માતરિયા તળાવથી શ્રવણ ચોકડી તરફ: વાહનોને રોડની બીજી લેનનો ઉપયોગ કરવાની સૂચના આપવામાં આવી છે. આ વ્યવસ્થાને કારણે ટ્રાફિકજામની સમસ્યા સર્જાવાની ભીતિ છે.શ્રવણ ચોકડીથી માતરિયા તળાવ તરફ (વૈકલ્પિક માર્ગ): વાહનચાલકોએ શ્રવણ ચોકડીથી ગણેશ ટાઉનશીપ, આલ્ફા સોસાયટી, આકાશદીપ સોસાયટી, નારાયણ સ્કવેર થઈ પંચવટી સોસાયટી લિંક રોડ મારફતે શક્તિનાથ તરફ જવું પડશે.

- નોંધ: આ માર્ગ પર દહેજની કંપનીઓમાં જતી બસો ઊભી રહેતી હોવાથી અને કર્મચારીઓના વાહનોના કારણે ટ્રાફિકનું ભારણ વધારે રહે છે.
કાયદાભંગ બદલ કડક કાર્યવાહી:
આરડીસી દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામાનો ભંગ કરનારા વાહનચાલકો સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 243 અને ગુજરાત પોલીસ અધિનિયમ હેઠળ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવશે. જાહેરનામાના ભંગ બદલ 6 મહિના સુધીની કેદની સજા થઈ શકે છે.
વાહનચાલકોને ટ્રાફિક વ્યવસ્થા જાળવવામાં સહકાર આપવા અને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા વિનંતી છે
