સંત શિરોમણી પરમ પૂજ્ય બજરંગદાસ બાપાની ૪૯મી પુણ્યતિથિ નિમિત્તે ગતરોજ ભરૂચ શહેરમાં ઠેર-ઠેર ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. ‘બાપા સીતારામ’ના નાદ સાથે વિવિધ સ્થળોએ આનંદનો ગરબો, ભજન-કીર્તન અને મહાપ્રસાદી સહિતના ધાર્મિક કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
પુણ્યતિથિના પાવન અવસરે વહેલી સવારથી જ બાપાના મઢી અને મંદિરોમાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. ભક્તો દ્વારા બાપાની પ્રતિમાનું વિશેષ પૂજન-અર્ચન કરવામાં આવ્યું હતું. દિવસ દરમિયાન સામૂહિક આનંદના ગરબાના પાઠ અને સંતવાણીના કાર્યક્રમો યોજાયા હતા, જેમાં ભજનિકોએ બાપાના ગુણગાન ગાઈ શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. સાંજના સમયે આયોજિત ભવ્ય મહાઆરતીમાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા.

આ મહોત્સવના ભાગરૂપે ભક્તિભાવ સાથે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હજારો ભક્તોએ પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી. સેવાભાવી યુવક મંડળો અને ભક્ત સમુદાય દ્વારા કરવામાં આવેલા આ સુંદર આયોજનથી સમગ્ર ભરૂચ ‘બાપા સીતારામ’મય બની ગયું હતું. બાપાના આશીર્વાદ લેવા અને તેમની સ્મૃતિને વંદન કરવા માટે ભક્તોનો અવિરત પ્રવાહ મોડી રાત સુધી ચાલુ રહ્યો હતો.

