ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)ની ટીમે વાગરા તાલુકાના વિલાયત ગામમાં આવેલા સોલાર પાવર પ્લાન્ટમાંથી એક મહિના પહેલાં થયેલી કેબલ ચોરીનો ગુનો શોધી કાઢ્યો છે અને ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે.

પોલીસને બાતમી મળી હતી કે વાગરા હનુમાન મંદિર ચોકડી પાસે ત્રણ શંકાસ્પદ ઇસમો બળેલા કોપર વાયર લઈને ફરી રહ્યા છે. પોલીસે વોચ ગોઠવીને ત્રણેય શખ્સોને ઝડપી પાડ્યા અને તેમની પાસેથી બિલ કે કોઈ પુરાવા ન મળતાં તેમની સઘન પૂછપરછ કરવામાં આવી હતી.
પૂછપરછ દરમિયાન, આરોપીઓ ભાંગી પડ્યા હતા અને કબૂલ્યું હતું કે તેમણે વિલાયત ગામના સોલાર પ્લાન્ટમાંથી કોપર વાયરની ચોરી કરી હતી. તેમણે વાયર પરનું પ્લાસ્ટિક બાળીને આછોદ ગામના ભંગાર વેપારી આતીફ સેક્રેટરીને વેચ્યા હતા.
પોલીસે આરોપીઓ પાસેથી ૨૮ કિલોગ્રામ કોપર વાયર (કિંમત ₹૧૬,૮૦૦) અને ત્રણ મોબાઈલ ફોન (કિંમત ₹૧૦,૦૦૦) સહિત કુલ ₹૨૬,૮૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઝડપાયેલા ત્રણેય આરોપીઓ: નિક્કુલ જીતુભાઈ રાઠોડ, અજય અશોકભાઈ રાઠોડ, અને આતીફ યુસુફ સેક્રેટરીને વાગરા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે.

