ભરૂચ તાલુકાના કરગટ ગામે તળાવ બ્યુટિફિકેશનના બહાને ચાલી રહેલા ખોદકામ સામે સ્થાનિક ઓડ સમાજે ઉગ્ર વિરોધ નોંધાવી પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું છે.
ઓડ સમાજે આક્ષેપ કર્યો છે કે, પરંપરા મુજબ સ્વજનોને દફનાવવામાં આવેલા સ્મશાન વિસ્તારમાંથી માટી ખોદકામનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. આ ખોદકામ દરમિયાન જેસીબી મશીનો દ્વારા મૃતકોના હાડપિંજરો (અસ્થિ) બહાર આવી રહ્યા છે અને તેને ટ્રકોમાં ભરીને અન્યત્ર લઈ જવામાં આવી રહ્યા છે. સમાજે આ કૃત્યને અમાનવીય ગણાવ્યું છે.
સમાજના આગેવાનોએ તાત્કાલિક અસરથી ખોદકામ બંધ કરવાની, જવાબદાર વ્યક્તિઓ સામે કાનૂની પગલાં લેવાની અને સ્મશાન માટેની આ જમીન ઓડ સમાજના નામે જાહેર કરવાની માંગણી કરી છે.


