ભરૂચની જલારામધામ સોસાયટીમાં ગણેશ વિસર્જનની યાત્રા જોવા ગયેલા બે પરિવારોના બંધ મકાનોને તસ્કરોએ નિશાન બનાવી ચોરીને અંજામ આપ્યો છે. તસ્કરો ઘરમાંથી ૧૭ તોલા સોનાના દાગીના અને રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા છે. આ ઘટના બાદ પોલીસ દોડતી થઈ છે અને તાત્કાલિક ધોરણે તપાસ હાથ ધરી છે.
આશ્રય સોસાયટી નજીક આવેલી જલારામધામ સોસાયટીમાં રહેતા ગોપાલચંદ્ર રાવ અને કાંતિ રંજન શાહ ગણેશ વિસર્જન યાત્રામાં ગયા હતા. આ તકનો લાભ ઉઠાવી અજાણ્યા તસ્કરોએ તેમના બંધ મકાનોના તાળા તોડી નાખ્યા હતા. ઘરમાં પ્રવેશ કરી તસ્કરોએ તિજોરી તોડીને અંદર રાખેલા ૧૭ તોલા સોનાના દાગીના અને રોકડ રકમ ચોરી લીધી હતી.
પરિવારો ઘરે પરત ફર્યા ત્યારે ચોરી થઈ હોવાનું ધ્યાનમાં આવતા તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. આ સોસાયટીમાં અગાઉ પણ ચોરીના અનેક બનાવો બન્યા હોવાથી રહીશોમાં ભયનો માહોલ છે. ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે આ ઘટનાની ફરિયાદ નોંધી તસ્કરોને પકડવા માટે તપાસ શરૂ કરી છે.

