ભરૂચ જિલ્લાના જંબુસર શહેરના વ્યસ્ત ડેપો સર્કલ વિસ્તારમાં એક ચાલતી મોટરસાઇકલમાં અચાનક આગ લાગવાની ઘટના બની હતી, જેના કારણે માર્ગ પર અફરાતફરી સર્જાઈ ગઈ હતી.

ચાલતી બાઇકમાંથી અચાનક ધુમાડો નીકળ્યા બાદ ગણતરીની ક્ષણોમાં જ આગ ભભૂકી ઊઠી હતી. વાહનચાલકે તાત્કાલિક બાઇકને રસ્તાની બાજુએ ઊભું રાખીને પોતાનો જીવ બચાવ્યો હતો.
આ ઘટના જોતા જ આસપાસના સ્થાનિક દુકાનદારો તેમજ વાહનચાલકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો.
સ્થાનિકોની સમયસર અને ત્વરિત કામગીરીને કારણે કોઈ જાનહાનિ થઈ નહોતી અને મોટી દુર્ઘટના ટળી હતી. જોકે, આગના કારણે મોટરસાઇકલને ભારે નુકસાન થયું છે. પ્રાથમિક અંદાજ મુજબ, આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ કે ટેકનિકલ ખામી હોવાની શક્યતા છે. બનાવની જાણ થતાં સ્થાનિક તંત્ર ઘટનાસ્થળે પહોંચ્યું હતું અને તપાસ હાથ ધરી છે.
