ભરૂચના શેરપુરા ખાતે રહેતા એક વેપારી યુવક અને તેની મહિલા મિત્રનું વડોદરાના મકરપુરા રોડ પરથી અપહરણ કરીને ₹૪ લાખની ખંડણી વસૂલવાના સનસનાટીપૂર્ણ કેસમાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. આ અપહરણકારોએ પોતાને અમદાવાદ SOG પોલીસ તરીકે ઓળખ આપી હતી.

ભરૂચના વેપારી અફાન કાની (ઉં.વ. ૩૦) પોતાની મહિલા મિત્ર સાથે વડોદરાથી પરત ફરી રહ્યા હતા, ત્યારે સ્કોર્પિયો કારમાં આવેલા શખ્સોએ તેમને આંતરીને અપહરણ કર્યું હતું.
શખ્સોએ પોતાને ‘યાજ્ઞિક ચાવડા અને ટીમ’ તરીકે ઓળખ આપી બળજબરીથી મહિલા મિત્રને સ્કોર્પિયોમાં બેસાડી દીધી હતી અને અફાનને તેની ઇનોવા કારમાં અમદાવાદના CTM ખાતે લઇ જવામાં આવ્યો હતો.
ત્યાં તેને મોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને શરૂઆતમાં ₹૫૦ લાખની માંગણી કરી હતી, પરંતુ આખરે માનસિક ત્રાસ આપીને ₹૪ લાખ પડાવી લીધા બાદ તેમને છોડવામાં આવ્યા હતા.
માંજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે તપાસ કરતા, આ ગુનામાં વડોદરા સેન્ટ્રલ જેલના હવાલદાર યાજ્ઞિક ચાવડા અને તાંદલજા ખાતે રહેતા આફતાબ પઠાણની સંડોવણી ખૂલતાં બંનેની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આ ગુનાના માસ્ટર માઈન્ડ અને અન્ય સંડોવાયેલા આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

