ઝઘડિયા પોલીસે નગરના રાઠોડ ફળિયામાં આંકફરકનો જુગાર રમાડતા એક શખ્સને ઝડપી લીધો છે. પોલીસે તેની પાસેથી જુગારનો સામાન અને રોકડા ૧૪૦૦ રૂપિયા જપ્ત કર્યા છે.
પોલીસને બાતમી મળી હતી કે, રાઠોડ ફળિયામાં રહેતો મહેન્દ્રસિંહ સાધનસિંહ રાઠોડ પોતાના ઘર પાછળ ખુલ્લી જગ્યામાં આંકફરકના આંકડાનો જુગાર રમાડે છે. આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા એક વ્યક્તિ કંઈક લખતો અને બીજો વ્યક્તિ કંઈક લખાવતો જોવા મળ્યો. પોલીસને જોઈને લખાવનાર વ્યક્તિ ભાગી ગયો હતો.
પોલીસે સ્થળ પરથી મહેન્દ્રસિંહ સાધનસિંહ રાઠોડને ઝડપી લીધો હતો. તલાશી દરમિયાન તેની પાસેથી આંકડા લખેલી ચિઠ્ઠી, બોલપેન અને જુગારની રકમ તરીકેના ૧૪૦૦ રૂપિયા રોકડા મળી આવ્યા હતા. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી મહેન્દ્રસિંહ રાઠોડ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

