ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના મુલદ નજીક નેશનલ હાઈવે પરથી પોલીસે એક ટેમ્પોમાંથી ગેરકાયદેસર રીતે લઈ જવાતા ૨૯ પાડાને ઝડપી પાડ્યા છે. આ ટેમ્પો ચાલક પોલીસને જોઈને વાહન છોડીને નાસી ગયો હતો.

કવિઠાના રહેવાસી વિક્રમભાઈ ભરવાડને મળેલી બાતમીના આધારે તેમણે પોલીસને જાણ કરી હતી. પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી ત્યારે ટેમ્પોમાં ૨૯ પાડાને ખીચોખીચ દોરીથી બાંધીને, ખાવા માટે ઘાસ કે પાણી વિના લઈ જવામાં આવી રહ્યા હતા.
રાજ્યમાં પશુઓની હેરાફેરી માટે સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર જરૂરી હોય છે, જે આ ટેમ્પો ચાલક પાસે ન હતું. પોલીસે ટેમ્પો સહિત પાડાઓ મળીને કુલ ₹૧૨,૯૦,૦૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ટેમ્પો ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

