વર્ષ ૨૦૧૮માં ઝઘડિયા તાલુકાના તલોદરા ગામની સીમમાં મહિલાની હત્યા કરવાના ગમખ્વાર કેસમાં અંકલેશ્વરની નામદાર સેશન્સ કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે.
તલોદરાના રહેવાસી આરોપી રમેશભાઈ ઉર્ફે રામશો શાંતુભાઈ વસાવાનો મરણ જનાર મહિલા સાથે પ્રેમસંબંધ હતો. મહિલાએ બે મહિનાથી આરોપીને મળવાનું બંધ કરી દેતાં, આરોપીએ તા. ૦૯/૦૬/૨૦૧૮ ના રોજ મહિલા ખેતરે તુવેર નીંદવા ગઈ હતી તે સમયે એકલતાનો લાભ લઈને કુહાડીના ઘા મારીને હત્યા કરી હતી.
ઝઘડિયા પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી ચાર્જશીટ દાખલ કરી હતી. નામદાર કોર્ટે આરોપીને આજીવન કેદની સજાની સાથે ₹૨૫,૦૦૦/- નો દંડ પણ ફટકાર્યો છે.

