ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઇડીસીમાં આવેલી નાઇટ્રેક્ષ કેમિકલ ઇન્ડિયા લી. નામની કંપનીમાં આજે વહેલી સવારે રસાયણિક પ્રક્રિયા દરમિયાન અચાનક જોરદાર બ્લાસ્ટ થયો હતો. આ ધડાકા સાથે વરાળ લીકેજ થવાની ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી, જેના કારણે પ્લાન્ટ વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી અને ધુમાડાના ગોટેગોટા દૂર સુધી દેખાયા હતા.
આ દુર્ઘટના સમયે નજીકમાં કામ કરી રહેલા કામદારો પૈકી મોટા સાંજા ગામના દિનેશ વસાવાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે ભિલોડ ગામના મહેશ વસાવા સહિત અન્ય બે કામદારો ગંભીર રીતે ઘવાયા હતા. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

ઘટનાની જાણ થતાં જ ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગ (DISH) તેમજ ઝઘડિયા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પ્રાથમિક દ્રષ્ટિએ વિસ્ફોટ રસાયણિક પ્રક્રિયામાં સર્જાયેલી ટેકનિકલ ખામીના કારણે થયો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ઝઘડિયા પોલીસે કાયદેસરની તપાસ શરૂ કરી છે.

