ભરૂચના આમોદ પાસે આવેલો ઢાઢર નદીનો ૪૨ વર્ષ જૂનો બ્રિજ ત્રણ દિવસ માટે વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ રાજ્યભરના બ્રિજની તપાસના ભાગરૂપે આ બ્રિજની મજબૂતાઈ અને ભારવહન ક્ષમતા ચકાસવા માટે ૬૦ ટન વજન મૂકીને લોડ ટેસ્ટિંગ કરવામાં આવશે.

૧૯૮૩માં નિર્મિત આ બ્રિજ હાલમાં ભારે વાહનો માટે જોખમી જાહેર કરાયો છે અને તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
લોડ ટેસ્ટ દરમિયાન બ્રિજના સ્પાન પર ૨૪ કલાક સુધી ૬૦ ટન વજન ભરેલી ટ્રકોને ઊભી રાખવામાં આવશે.
ઈજનેર જૈમિન શાહના જણાવ્યા મુજબ, વજન મૂક્યા પછી અને વજન હટાવ્યા પછી ગડરમાં આવતા વિચલન (Deflection)ના આંકડા નોંધવામાં આવશે. આ ડેટાનું વિશ્લેષણ કરીને બ્રિજ પરથી કેટલા વજનના વાહનો પસાર થઈ શકે તે નક્કી કરાશે.
વહીવટીતંત્રએ જાહેરનામું બહાર પાડી વાહનો માટે લાંબા ડાયવર્ઝન જાહેર કર્યા છે જેમાં, જંબુસરથી ભરૂચ તરફના ભારે વાહનો દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે, પાદરા ટોલનાકા થઈ ભરૂચ જઈ શકશે
અને ભરૂચથી જંબુસર તરફના વાહનો આમોદ શર્મા હોટલ ત્રણ રસ્તા, સરભાણ ગામ, દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે થઈ પાદરા પહોંચી ત્યાંથી જંબુસર જવાનો માર્ગ સૂચવાયો છે.

