ભરૂચ જિલ્લા આહિર સમાજ દ્વારા ત્રાલસા ગામ ખાતે આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં ઝાડેશ્વર બેટ ઇલેવનની ટીમે શાનદાર પ્રદર્શન કરી વિજેતા ટ્રોફી પર કબજો જમાવ્યો છે. ટુર્નામેન્ટની રવિવારે રમાયેલી ફાઈનલ મેચમાં ઝાડેશ્વર બેટ અને ભરૂચની શિવ શક્તિ ટીમ વચ્ચે રસાકસી જામી હતી. જેમાં ઝાડેશ્વર બેટની ટીમે ૧૦ ઓવરમાં ૬૨ રન બનાવ્યા હતા, જેના જવાબમાં શિવ શક્તિની ટીમ માત્ર ૭ ઓવરમાં ઓલઆઉટ થઈ જતાં ઝાડેશ્વરની ટીમ વિજેતા જાહેર થઈ હતી.

ટુર્નામેન્ટના સમાપન પ્રસંગે ભરૂચ જિલ્લા આહિર સમાજના પ્રમુખ દિનેશ આહિર, મહામંત્રી બાલુભાઈ આહિર તથા અન્ય મહાનુભાવોના હસ્તે વિજેતા ટીમને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. આ સ્પર્ધાની સૌથી વિશેષ બાબત એ રહી કે, ટુર્નામેન્ટમાંથી મળેલી તમામ આવક આગામી ૨૨ ફેબ્રુઆરીના રોજ આહિર સમાજ દ્વારા આયોજિત ૯મા સમૂહ લગ્નોત્સવમાં દાન તરીકે અર્પણ કરવામાં આવશે.

