દહેજ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (DIA) દ્વારા હાંસોટના સાહોલ રિસોર્ટ ખાતે આયોજિત ત્રણ દિવસીય ‘ઉત્કર્ષ-૨ વર્કશોપ’ માં દહેજ ઔદ્યોગિક વસાહતને દેશની આદર્શ વસાહત તરીકે વિકસાવવા માટેનું વિઝન-૨૦૩૫ રજૂ કરવામાં આવ્યું હતું.

DIAના પ્રમુખ ડૉ. સુનિલ ભટ્ટ અને જનરલ સેક્રેટરી બલદેવ આહીરે માહિતી આપી હતી કે ભરૂચ-દહેજ રોડનું નવીનીકરણ કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે અને તે આવનારા એક વર્ષમાં પૂર્ણ થવાની શક્યતા છે, જેનાથી એક્સપોર્ટ-ઇમ્પોર્ટની કામગીરીમાં સરળતા મળશે.
ભવિષ્યમાં ભરૂચ-દહેજ રોડના ટ્રાફિકનું ભારણ ઘટાડવા અને પરિવહન ઝડપી બનાવવા માટે નવી દરખાસ્તો રજૂ થઈ હતી. ઇન્ડિગો સી વેઝ દ્વારા દહેજને હજીરા અને મુંબઈ સાથે જોડતી કાર્ગો સર્વિસ શરૂ કરવાની યોજના રજૂ કરાઈ હતી. ઇન્દ્રા એવિએશન દ્વારા અમદાવાદ, વડોદરા અને સુરતથી દહેજ વચ્ચે હેલિકોપ્ટર સર્વિસ શરૂ કરવાની પ્રસ્તાવિત યોજના મુકાઈ હતી. DGVCL દ્વારા સ્માર્ટ ગ્રીડ, ગ્રીન નેટવર્ક, અંડરગ્રાઉન્ડ કેબલિંગ અને સબસ્ટેશન ક્ષમતા વૃદ્ધિ જેવા પગલાં રજૂ કરાયા હતા. રેલવે દ્વારા પણ ભવિષ્યના લોજિસ્ટિક્સનું આયોજન રજૂ કરાયું હતું. GHV લિમિટેડ દ્વારા ભરૂચ–દહેજ એક્સપ્રેસવેના નિર્માણ કાર્યની પ્રગતિની રજૂઆત થઈ હતી.
આ વર્કશોપમાં સરકારી વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ અને ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

