ભરૂચ જિલ્લાના દહેજ પીસીપીઆઇઆર ઝોનમાં ખેતીની જમીનમાં માલિકની મંજૂરી વિના ગેરકાયદેસર માટી ખોદકામ કરવામાં આવતું હોવાના ગંભીર આક્ષેપો સાથે ખેડૂતોએ કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે.

કલેકટરને આપવામાં આવેલાં આવેદનમાં જણાવ્યાં અનુસાર મગનલાલ વસાવાના સર્વે નંબર 465 ની તેમની માલિકીની 73-એએ પ્રકારની ખેતીલાયક જમીનમાં છેલ્લા કેટલાક સમયથી મોટા પાયે ખોદકામ થઈ રહ્યું છે. દહેજ વિસ્તારમાં સક્રિય ભૂમાફિયાઓએ માલિકની પરવાનગી વિના આશરે15 થી 20 ફૂટ ઊંડું ખોદકામ કરી જમીનને સંપૂર્ણપણે બિનખેતીલાયક બનાવી દીધી છે. ખેડૂતોનો આરોપ છે કે આ સમગ્ર ખોદકામ અમુક ભૂમાફિયા અને અસામાજિક તત્વોની મિલીભગતથી કરવામાં આવ્યું છે.
ખોદકામ માટે પીસીપીઆઇઆર ઝોન કે સરકારી પટ્ટાની જમીનમાં જરૂરી કોઈ પણ પ્રકારની સરકારી મંજૂરી લેવામાં આવી નથી. ગેરકાયદેસર ખોદકામના કારણે ખેતીને ભારે નુકસાન થયું છે. આ ઉપરાંત, પર્યાવરણ અને ભૂગર્ભજળ સ્તર પર પણ ગંભીર નકારાત્મક અસર થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ખેડૂતોએ કલેક્ટરને લેખિત રજૂઆત કરીને તાત્કાલિક તપાસ કરવા અને આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સામેલ જવાબદાર તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
રિપોર્ટર : સૈફ અલી ભટ્ટી વાગરા

