દહેજ પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, દહેજ-ભરૂચ રોડ પર નાયરા પેટ્રોલ પંપની બાજુમાં આવેલ મહાદેવ હોટલના પાર્કિંગમાં કેટલાક ઇસમો ટેન્કરમાંથી કેમિકલ ચોરી કરી રહ્યા છે. પોલીસે તુરંત સ્થળ પર દરોડો પાડતા બે શખ્સો પ્લાસ્ટિકની ગરણી લગાવી ટેન્કરમાંથી કારબાઓમાં એસીટોન (Acetone) કેમિકલ કાઢતા મળી આવ્યા હતા.

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, પકડાયેલા શખ્સો કોઈપણ પ્રકારના ફાયર સેફ્ટીના સાધનો વગર અત્યંત જ્વલનશીલ એસીટોન કેમિકલની ચોરી કરી રહ્યા હતા. આ પ્રકારની બેદરકારીને કારણે મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેમ હતી અને લોકોના જીવ જોખમમાં મુકાય તેવી પૂરેપૂરી શક્યતા હતી. પોલીસે સ્થળ પરથી બે કેમિકલ ટેન્કર અને કેમિકલ ભરેલા પ્લાસ્ટિકના કારબા જપ્ત કર્યા છે.
પોલીસે આ ગુનામાં બે આરોપી (૧) મુલારામ બાબુલાલ શર્મા (રહે. બાડમેર, રાજસ્થાન) અને (૨) ડાલુરામ રામારામ જાની (રહે. બાડમેર, રાજસ્થાન) નાઓને દબોચી લીધા છે.
દહેજ પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ બી.એન.એસ. (BNS) ની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી આ કેમિકલ ચોરીના નેટવર્કમાં અન્ય કોણ સામેલ છે તે દિશામાં વધુ તપાસ શરૂ કરી છે.

