ભરૂચ SOG દ્વારા અંકલેશ્વરના એક કોમ્પ્યુટર ક્લાસીસની આડમાં ચાલતા દેશવ્યાપી નકલી માર્કશીટ/સર્ટીફીકેટ કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.
બાતમીના આધારે SOGની ટીમે અંકલેશ્વરના હેપ્પી કોમ્પ્લેક્ષમાં આવેલ ROYAL ACADEMY COMPUTER CLASSES પર રેઇડ કરી હતી.ક્લાસીસના સંચાલક જયેશ કિશનલાલ પ્રજાપતિ (ઉ.વ.૩૩) ને ઝડપી પાડવામાં આવ્યો છે, જે ગેરકાયદેસર રીતે ધોરણ-૧૦, ૧૨, અને આઇ.ટી.આઇ.ના ડુપ્લીકેટ માર્કશીટ/સર્ટીફિકેટ બનાવી વેચાણ કરતો હતો.

રેઇડ દરમિયાન, દિલ્હી શૈક્ષણીક બોર્ડ (Delhi Board of Senior Secondary Education Delhi) અને ગુજરાતની આઇ.ટી.આઇ. (Mahatma Gandhi Institute DIRECTORATE OF EMPLOYMENT AND TRAINING GUJARAT COUNCIL OF VOCATIONAL TRAINING GANDHINAGAR GUJARAT) સહિતના અન્ય સંસ્થાઓના મળીને ૨૧ નંગ ડુપ્લીકેટ માર્કશીટ/સર્ટીફિકેટો, ₹૨૫,૦૦૦/- ની કિંમતનું એક કોમ્પ્યુટર (CPU સાથે), ₹૧૫,૦૦૦/- નું એક કલર પ્રિન્ટર, અને ₹૫,૦૦૦/- નો એક મોબાઈલ ફોન સહિત કુલ ₹૪૫,૦૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
આરોપી જયેશ પ્રજાપતિ એક વિધાર્થી પાસેથી ડુપ્લીકેટ માર્કશીટ/સર્ટીફિકેટ બનાવવા માટે ₹૧૫,૦૦૦/- લેતો હતો અને દિલ્હીના એક વોન્ટેડ આરોપી મારફતે ઓનલાઈન ₹૭,૫૦૦/- માં આ ડુપ્લીકેટ દસ્તાવેજો બનાવડાવતો હતો. પકડાયેલ આરોપી વિરુદ્ધ અંકલેશ્વર GIDC પો.સ્ટે.માં ભારતીય ન્યાય સંહિતાની કલમ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે અને વોન્ટેડ આરોપીને ઝડપી પાડવા માટે વધુ તપાસ ચાલી રહી છે.

