દિલ્હીના લાલ કિલ્લા નજીક સોમવારે સાંજે થયેલા ભયાનક કાર વિસ્ફોટ (જેમાં ૮ લોકોના મોત અને ૨૪ ઘાયલ થયા હોવાની પ્રાથમિક માહિતી છે) બાદ કેન્દ્ર સરકારના નિર્દેશ અનુસાર સમગ્ર ગુજરાત રાજ્યમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઘટનાને પગલે સુરક્ષા અને સતર્કતાના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં પણ પોલીસ તંત્ર સક્રિય બન્યું છે. ભરૂચ રેલવે સ્ટેશન પર રેલવે પોલીસ (GRP) અને રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) દ્વારા સંયુક્ત રીતે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.

આ કાર્યવાહી દરમિયાન પ્લેટફોર્મ, ટ્રેનો, અને પાર્કિંગ એરિયામાં શંકાસ્પદ વ્યક્તિઓ તેમજ બિનવારસી સામાનની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. સુરક્ષા તંત્રએ જાહેર જનતાને વિનંતી કરી છે કે કોઈપણ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ ધ્યાનમાં આવે તો તાત્કાલિક નજીકની પોલીસને જાણ કરવી. દિલ્હીની ઘટનાને પગલે ગુજરાતમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિત ભરૂચ અને અન્ય સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા વધારવામાં આવી છે.


