ભરૂચના અમલેશ્વર ગામની સીમમાં આવેલી પવનચક્કીના સ્ટોર રૂમમાંથી થયેલી કેબલ ચોરીનો મામલો ગણતરીના દિવસોમાં જ ઉકેલાઈ ગયો છે. ભરૂચ ક્રાઈમ બ્રાન્ચે ચોરીમાં સંડોવાયેલા પાંચ આરોપીઓને ₹૧,૦૩,૫૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે.

પોલીસને બાતમી મળી હતી કે ભરૂચના બંબાખાના સર્કલ પાસે ભંગારની એક દુકાન નજીક કેટલાક શંકાસ્પદ લોકો વજનદાર થેલીઓ સાથે ઊભા છે. આ બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે તપાસ કરતાં પાંચ વ્યક્તિઓને છોલેલા કોપર કેબલ સાથે પકડી પાડ્યા હતા. તેમની પાસેથી જરૂરી દસ્તાવેજો ન મળતાં, પોલીસે સઘન પૂછપરછ કરી હતી.
પૂછપરછ દરમિયાન આરોપીઓએ કબૂલ્યું કે ત્રણ-ચાર દિવસ પહેલાં જયેશ, મેહુલ અને રાકેશે ભેગા મળીને અમલેશ્વર ગામની સીમમાં આવેલી પવનચક્કીના પેનલ રૂમનું તાળું તોડી કેબલની ચોરી કરી હતી. ત્યારબાદ કેબલ પરનું પ્લાસ્ટિક કવર કાઢી નાખી, તેઓ તેને વેચવા માટે ભરૂચ આવ્યા હતા. વિજય વસાવા નામના વ્યક્તિની મદદથી તેઓ નઈમ પટેલની ભંગારની દુકાને માલ વેચવા પહોંચ્યા હતા, ત્યારે જ તેઓ પોલીસના હાથે ઝડપાઈ ગયા.
પોલીસે આરોપીઓ પાસેથી ૧૫૮ કિલોગ્રામ છોલેલો કોપર વાયર, જેની કિંમત ₹૭૯,૦૦૦/- છે, અને ૬ મોબાઈલ ફોન મળી કુલ ₹૧,૦૩,૫૦૦/- નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ પાંચ આરોપીઓ — જયેશ રાવજીભાઈ વસાવા, મેહુલ રાજુભાઈ વસાવા, રાકેશ ગોવિંદભાઈ વસાવા, વિજય અર્જુનભાઈ વસાવા અને નઈમ ઇલ્યાસ પટેલ — વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી તેમને ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યા છે, જ્યાં આગળની તપાસ ચાલી રહી છે.

