ભરૂચ ક્રાઈમ બ્રાન્ચે (LCB) અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં પોક્સો એક્ટ હેઠળ નોંધાયેલા ગુનાના એક આરોપીને ચાર વર્ષ બાદ ઝડપી પાડ્યો છે. ધર્મેન્દ્રપ્રતાપસિંહ શિવબહાદુરસિંહ રાણા નામનો આ આરોપી વર્ષ ૨૦૨૧થી ફરાર હતો.
ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, આરોપી ધર્મેન્દ્રપ્રતાપસિંહ રાણા ભોગ બનનાર સગીરા સાથે રાજપીપળા રોડ પરની વિષ્ણુ સોસાયટીના મકાન નંબર ૧૫૨માં રહે છે. આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને ૨૬ વર્ષીય આરોપી ધર્મેન્દ્રપ્રતાપસિંહ રાણા (મૂળ રહે. પ્રયાગરાજ, ઉત્તર પ્રદેશ)ને ભોગ બનનાર સાથે ઝડપી પાડ્યો હતો.
આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને વધુ તપાસ માટે તેને અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.