વાલિયા પોલીસે પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા એક વર્ષથી ફરાર આરોપી મેહુલભાઈ રમેશભાઈ વસાવાને ઝડપી પાડ્યો છે. ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના મેરા ગામમાંથી તેની ધરપકડ કરવામાં આવી હતી.

આરોપી મેહુલભાઈ વસાવા વાલિયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એક ગુનામાં વોન્ટેડ હતો. આ ગુનામાં ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ ૧૫૧૨ નાની-મોટી બોટલો અને ટીન બિયરની પેટીઓ મળી આવી હતી, જેની કુલ કિંમત ૨,૬૯,૭૬૦ રૂપિયા હતી. આ દારૂ પ્રવિણસિંહ જયસિંહ કરંબીયાના ખેતરના શેઢા પર વેચાણના ઇરાદે સંતાડવામાં આવ્યો હતો.
પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, વોન્ટેડ આરોપી મેહુલભાઈ વસાવા મેરા ગામમાં પોતાના ઘરે હાજર છે. આ માહિતીના આધારે, પોલીસ ટીમે મેરા ગામ પહોંચીને તેના ઘરને કોર્ડન કર્યું અને આરોપીને સફળતાપૂર્વક ઝડપી પાડ્યો હતો.
પૂછપરછ દરમિયાન આરોપીએ પોતાનું નામ મેહુલભાઈ રમેશભાઈ વસાવા (ઉંમર ૨૭, રહે. મેરા લીંબડા ફળિયું, તા. વાલિયા, જિ. ભરૂચ) જણાવ્યું હતું. પોલીસે તેની ધરપકડ કરીને ગુનાના કામે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

