ભરૂચ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે (LCB) પાનોલી પોલીસ મથકની હદમાં આવતા બાકરોલ ગામની સીમમાં ધમધમતા જુગારધામ પર દરોડો પાડીને પાંચ શખ્સોને રંગેહાથ ઝડપી પાડ્યા છે. ખેતરના છેડા વચ્ચે ખુલ્લી જગ્યામાં ચાલતા આ જુગારના અડ્ડા પરથી રોકડ સહિત વાહનો અને મોબાઈલ કબજે લેવામાં આવ્યા છે.
ભરૂચ LCBની ટીમ પાનોલી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન બાતમી મળી હતી કે બાકરોલ વગામાં કેટલાક ઈસમો ખેતરના છેડા વચ્ચે ભેગા મળી પત્તા-પાના વડે હાર-જીતનો જુગાર રમી રહ્યા છે. પોલીસે બાતમીવાળા સ્થળે સફળ રેડ કરી ઘેરો ઘાલતા જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી.

પોલીસે સ્થળ પરથી પાંચ આરોપીઓને દબોચી લીધા હતા અને તેમની પાસેથી રોકડ રકમ ₹૫૫,૦૦૦/- (અંગઝડતી અને દાવ પરથી), મોબાઇલ ફોન ૦૪ નંગ (કિં.રૂ. ૩૫,૦૦૦/-), ટુ-વ્હીલર ૦૧ નંગ (કિં.રૂ. ૫૦,૦૦૦/-) અને અન્ય પત્તા-પાના અને પાથરણું સહીત કુલ કિંમત ₹૧,૪૦,૦૦૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પોલીસે સ્થળ પરથી સુનીલ વસાવા, નિલેશ પટેલ, ઉમેશ કવડે, રમેશ વસાવા અને નિલેશ વણઝારા (તમામ રહે. કોસમડી, તા. અંકલેશ્વર) ની ધરપકડ કરી છે. જ્યારે રેડ દરમિયાન હાજર ન મળી આવેલા અન્ય ૪ આરોપીઓ (જયેશ પવાર, નરેશ પાટીલ, મહેન્દ્ર ચૌધરી અને શૈલેષ વસાવા) ને વોન્ટેડ જાહેર કરી શોધખોળ હાથ ધરી છે. પાનોલી પોલીસ મથકે તમામ નવ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

